અમદાવાદઃ દાહોદની એન.ઇ. જીરૂવાલા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનો આદિજાતિ વિકાસ, પ્રાથમિક માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરે પ્રારંભ કરાવ્યો હતો અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં તાલુકા કક્ષાએ વિજેતા 90 બાળ વૈજ્ઞાનિકોએ 45 કૃતિની રજુઆત કરી હતી. તેમની સાથે તેમના માર્ગદર્શક શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. શિક્ષણમંત્રી સહિતના મહાનુભાવો બાળ વૈજ્ઞાનીકોની કૃતિઓની રજૂઆતથી પ્રભાવિત થયા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રદર્શનનો મુખ્ય વિષય ટેકનોલોજી અને રમકડાં છે.
શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરે જણાવ્યું કે, રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળે એ માટે પ્રતિબદ્ધ છે. રાજ્યમાં દરેક શાળામાં પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે. તેમજ તાજેતરમાં જ રાજયમાં શાળાઓમાં 19 હજારથી પણ વધુ ઓરડાઓ માટેના ટેન્ડર અલોટમેન્ટની કામગીરી કરવામાં આવી છે. દરેક જિલ્લામાં 10-10 શાળાઓ આદર્શ બનાવાના લક્ષ સાથે રાજ્યમાં 1500 શાળાઓમાં સ્કુલ ઓફ એક્સલેન્સનો પ્રારંભ કરાશે. કોરોનાના સમય દરમિયાન પણ અમદાવાદથી બાયશેગના માધ્યમથી 7 ચેનલો ઉપર શિક્ષણનું કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને થયેલો લર્નીગ લોસ પણ શિક્ષકોએ ઉઘડતી શાળાએ પૂર્ણ કર્યો છે.
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા નવી શિક્ષણનીતિને હવે રાજ્યમાં સુપેરે લાગુ કરવામાં આવશે તેમ જણાવતા શિક્ષણમંત્રીએ કહ્યું કે, આ માટેના સઘન પ્રયાસો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કરાય રહ્યાં છે. વિદ્યાર્થીઓને 100 કલાક માટે બેગલેસ શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થી એક વર્ષમાં 1000 જેટલા કલાકો શાળામાં વિતાવતો હોય છે. જેમાંથી 100 કલાકો બેગલેસ શિક્ષણ અંતર્ગત તેનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને તેના છુપા કૌશલ્યને નિખરાવમાં લગાવાશે. આ માટે 491 જેટલી શાળાઓની પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી કરાઇ છે. તેમજ આગામી તા. 15 જુનથી બાલવાટીકા – પ્રીસ્કુલની પણ તમામ વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવશે.
દેશમાં વિદ્યા ક્ષેત્રે ભૂતકાળનો ભવ્ય ઇતિહાસની વાત જણાવતા તેમણે જણાવ્યું કે, દેશમાં નાલંદા, તક્ષશીલા, વલખી જેમ આંતરરાષ્ટ્રીય કક્ષાનો ગુરૂકુલ હતા. જેમાં લોકો દુનિયાભરમાંથી અભ્યાસ અર્થે આવતા. ભૂતકાળના આ ગૌરવને પુન:સ્થાપિત કરવા માટે દેશ આગેકુચ કરી રહ્યો છે.