Site icon Revoi.in

ભારત અને અમેરિકા સહિત દરેક સમાજની પોતાની સમસ્યાઓ અને પડકારો છે: કર્ટ કેમ્પબેલે

Social Share

નવી દિલ્હીઃ અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. બંને દેશો ઘણા મહત્વના ક્ષેત્રોમાં સહયોગ કરી રહ્યા છે પરંતુ ભારતમાં માનવાધિકારના મુદ્દે અમેરિકી સરકારને વારંવાર સવાલ કરવામાં આવે છે. હવે અમેરિકી સરકારે આ અંગે જવાબ આપ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે, તેઓ તેનાથી ચિંતિત નથી અને આ મુદ્દાથી બંને દેશોના સંબંધો પર કોઈ અસર નહીં થાય.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં હિંદ-પ્રશાંત મહાસાગર ક્ષેત્ર અંગેના સંયોજકને ભારતમાં લોકતંત્ર અને માનવાધિકારો મુદ્દે સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યું કે, ‘ તમામ સમાજ જેમાં ભારત અને અમેરિકાનો પણ સમાવેશ થાય છે. તેમના પોતાના પડકારો અને મુશ્કેલીઓ હોય છે. બધા દેશો આદર્શ નથી હોતા, બધામાં કેટલીક ખામીઓ હોય છે. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે અમેરિકા અન્ય કોઈ દેશને સલાહ આપી શકે તેવી સ્થિતિમાં છે.

રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણ અંગે કર્ટ કેમ્પબેલે કહ્યું કે, અમે જોયું છે કે ભારતે રશિયા-યુક્રેન યુદ્ધ પર સૈદ્ધાંતિક વલણ અપનાવ્યું છે. વડાપ્રધાન મોદીએ યુક્રેનના લોકોની મુશ્કેલીઓ અને અને ત્યાં શું થઈ રહ્યું છે તે અંગે સ્પષ્ટ વાત કરી છે. યુક્રેન યુદ્ધથી ભારતીયો ચિંતિત છે અને તેઓ એવું પણ માને છે કે રશિયાનું વલણ ઘણી જગ્યાએ નિંદનીય રહ્યું છે.

ચીનના મુદ્દા પર કેમ્પબેલે કહ્યું કે ભારત-અમેરિકા સંબંધોમાં ચીનનો મુદ્દો મહત્વનો છે પરંતુ તે એકમાત્ર મુદ્દો નથી જે આપણા સંબંધોને આપણે જ્યાં જવા માંગીએ છીએ ત્યાં લઈ જશે. બીજી પણ ઘણી બાબતો છે જે આપણને આગળ લઈ જશે અને પીએમ મોદીની તાજેતરની મુલાકાત દરમિયાન પણ આ જોવા મળ્યું હતું.