ગાંધીધામ : કંડલાના દીનદયાળ પોર્ટ પર વાહનોનો ટ્રાફિક ખૂબજ રહેતો હોવાથી હવે પોર્ટમાં પ્રવેશવા માટે ઓનલાઈન નોંધણીનો નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. નવી લાગુ થનારી આર. એફ. આઈ. ડી. પદ્ધતિ અંતર્ગત પોર્ટમાં આવતાં જતાં દરેક પરિવહનકારોના વાહનો, વપરાશકારોના વાહનોની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ માટે વપરાશકારોને નિર્દેશ જારી કરાયા છે.
કંડલામાં દીન દયાળ પોર્ટના ટ્રાફિક મેનેજરે એક સર્કયુલર બહાર પાડયો હતો. જેમાં જણાવાયું છે કે તમામ બંદર વપરાશકારોએ ઈ-દૃષ્ટિ એપ્લીકેશન મારફતે મોબાઈલ ફોન કે વેબસાઈટ દ્વારા કોમ્પ્યુટરથી જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને તેની સાથે આ સુવિધા અર્થે એક અરજી કરવી પડશે. આ ઉપરાંત વપરાશકારોએ જરૂરી અસલ દસ્તાવેજો જેવાં કે વાહનની આર.સી.બુક, ડ્રાઈવિંગ લાયસન્સ, ડ્રાઈવરનું આરોગ્ય પ્રમાણપત્ર, વાહનનું ફીટનેસ સર્ટિફિકેટ, માન્ય વીમા પ્રમાણપત્ર, ડ્રાઈવરનો આધારકાર્ડ માહિતી સવારે 10થી સાંજે પ.30 સુધી પાર્કિંગ પ્લાઝા ખાતે તૈનાત સીઈએલ કર્મચારી પાસે અથવા પ્રશાસનિક ભવનની હેલ્પડેસ્ક સમક્ષ રજૂ કરવા પડશે.
દીન દયાળ પોર્ટમાં પ્રવેશવા માટે વાહન ઓપરેટરોએ રજૂ થયેલા દસ્તાવેજોની ખરાઈ થયા બાદ અરજી કરનારાઓને ઈ-મેઈલ કે એસ.એમ.એસ.થી તેની જાણ કરાશે. જેથી તેઓ પાર્કિંગ પ્લાઝા કે હેલ્પ ડેસ્ક પાસેથી પોર્ટની અંદર જવા માટે જરૂરી કાર્ડ કે ટેગ મેળવી શકે. તમામ વપરાશકારોએ આ રજિસ્ટ્રેશન ઝડપથી કરાવી લેવા જણાવાયું છે. આર.એફ.આઈ.ડી. લાગુ કરાયા બાદ પોર્ટની અંદર વાહનોની હેરફેર ઉપર સતત નજર રખાશે અને ટ્રાફિક જામ કે અકસ્માત જેવી સ્થિતિનું નિર્માણ ન થાય તથા તમામ સંચાલન સરળતાથી ચાલે તે નિશ્ચિંત કરાશે.