વિશ્વભરમાં હવે અત્યારના સમયમાં એવી બીમારીઓ જોવા મળી રહી છે કે જેના કારણે લોકોના જીવ પણ જઈ રહ્યા છે. કોરોનાવાયરસના કારણે વિશ્વમાં મોટી સંખ્યામાં લોકોના મોત થતા અને હવે મંકિપોક્સ પણ લોકોને ડરાવી રહ્યો છે ત્યારે જો વાત કરવામાં આવે એવી એક બીમારીની તો તે આ બધા રોગ કરતા પણ વધારે ખતરનાક છે અને દરવર્ષે લગભગ 14 લાખ લોકો આ બીમારીના કારણે પોતાનો જીવ પણ ગુમાવે છે.
આ રોગનું નામ છે હેપેટાઈટિસ, વિશ્વભરમાં વાયરલ હેપેટાઇટિસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. ટીબી પછી તે બીજો સૌથી સામાન્ય ચેપી રોગ છે. આ રોગના ફેલાવાનું મુખ્ય કારણ એ છે કે લોકોમાં તેના લક્ષણો, કારણો અને નિવારણ વિશે માહિતીનો અભાવ છે. વાઇરલ હેપેટાઇટિસથી સંક્રમિત 10માંથી 9 લોકોને ખબર નથી કે તેઓ આ ગંભીર રોગથી પીડિત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, હેપેટાઈટીસ એક એવો ચેપી રોગ છે કે જો સમયસર ઓળખવામાં ન આવે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.
આ જ કારણ છે કે દર વર્ષે હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સીના કારણે 1.4 મિલિયન લોકો પોતાનો જીવ ગુમાવે છે. ડબ્લ્યુએચઓ અનુસાર, વિશ્વભરમાં એચઆઇવી વાયરસ કરતાં લગભગ 9 ગણા વધુ લોકો હેપેટાઇટિસ વાયરસથી સંક્રમિત છે. આ વાયરસ સાયલન્ટ કિલર જેવો છે. મોટાભાગના કિસ્સાઓમાં, દર્દીને લક્ષણો ખૂબ જ મોડેથી ખબર પડે છે.
હેપેટાઈટીસના ઈલાજ માટે યોગ્ય જીવનશૈલી હોવી ખૂબ જ જરૂરી છે.આ ઈન્ફેક્શનથી બચવા માટે રૂટીન લાઈફને સુધારવાની પણ ખૂબ જ જરૂર છે. આલ્કોહોલનું સેવન, સ્થૂળતા, ડાયાબિટીસ એ હેપેટાઇટિસનું કારણ બને તેવા પરિબળો છે, તેથી તેમને ટાળવાની જરૂર છે.
હેપેટાઈટિસના લક્ષણો આ પ્રમાણે છે કે આ બીમારીની અસર હોય તો વ્યક્તિને ભૂખ નથી લાગતી, ત્વચા પીળી પડે છે, આંખો પણ પીળી થાય છે સાથે પેટમાં પણ દુખે છે.