Site icon Revoi.in

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગઃ દર વર્ષે 200થી વધુ દવાના તથા 1000થી વધારે ખોરાકના નમૂના થાય છે ફેઈલ !

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કમાવી લેવાની લાહ્યમાં ભેળસેળિયા તત્વો ખોરાકની દવામાં પણ ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાં છે. આવા શખ્સોને ઝડપી લેવા માટે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ કામગીરી કરી રહી છે. જો કે,કડક કાયદાના અભાવે ભેળસેળીયા તત્વો છુટી જાય છે. રાજ્યમાં પ્રતિવર્ષ દવાના 200થી વધારે નમૂના, ખોરાકના 1000થી વધારે નમૂના ફેઇલ જતા હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ખોરાક અને ઔષધ નિયમન દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ઔષધોમાં 40000 કરતાં વધુ નમૂના લેવાયા હતા. જે પૈકી 1100થી વધુ નમૂના અપ્રમાણસરના માલૂમ પડ્યાં છે. બીજી તરફ ત્રણ વર્ષમાં ખોરાકના 44000 નમૂના લેવામાં આવ્યા હતા જે પૈકી 2600થી વધુ કેસો ભેળસેળયુક્ત અને મીસ બ્રાન્ડેડ જોવા મળ્યા છે. ખોરાકના અનસેફ એટલે કે ખાઇ શકાય નહીં તેવી ચીજવસ્તુના નમૂનાની સંખ્યા 250 જેટલી છે.

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસે પુરતો સ્ટાફ નહીં હોવાનું જાણવા મળે છે. ઇન્સ્પેક્ટરોની અછતને કારણે રાજ્યભરમાં દરોડા પાડવાની કાર્યવાહી થઇ શકતી નથી. આરોગ્યના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે દવા અને ખોરાકમાં ભેળસેળ અંગે સરકારે કાયદામાં પરિવર્તન કરીને કસૂરવારોને કડકમાં કડક સજા કરવી જોઇએ પરંતુ કાયદાની છટકબારી હોવાથી તેઓ ઝડપથી મુક્ત થઇને ફરીથી એવી જ પ્રવૃત્તિ કરતા જોવા મળે છે.