પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને કોર્ટમાંથી મળી રાહત, રાવલપિંડીની જેલમાં ટ્રાન્સફર કરાશે
નવી દિલ્હીઃ ઈસ્લામાબાદ હાઈકોર્ટે તહરીક-એ-પાકિસ્તાન (PTI)ના અધ્યક્ષ અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને એટોક જેલમાંથી રાવલપિંડીની અદિયાલા જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આમિર ફારુકે ટિપ્પણી કરતા કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન સારા જીવનના લાયક છે. તેમના અધિકારોનું ઉલ્લંઘન ન થવું જોઈએ.
પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે ઈમરાન ખાનના વકીલ શેર અફઝલ મારવતે કોર્ટમાં અરજી કરીને ઈમરાનને એટોક જેલમાંથી અદિયાલા જેલમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરી હતી. ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસે એડિશનલ એટર્ની જનરલ મનુર ઈકબાલને સવાલ કરતા કહ્યું કે, “જ્યારે ઈસ્લામાબાદના તમામ અંડરટ્રાયલ કેદીઓ અદિયાલા જેલમાં છે, તો પછી એક અંડરટ્રાયલ કેદીને અદિયાલાને બદલે એટોક જેલમાં કેમ રાખવામાં આવે છે?” ચીફ જસ્ટિસ આમિર ફારુકે કહ્યું કે ‘જેલના નિયમો અનુસાર ઈમરાન ખાનને તે વસ્તુઓ મળવી જોઈએ જે તેના હકદાર છે, એવું ન થવું જોઈએ કે તેનો કોઈ અધિકાર ખોવાઈ જાય.’
ઈમરાન ખાન ઓગસ્ટથી પંજાબની એટોક જેલમાં બંધ છે. ત્યારબાદ તોષાખાના કેસમાં તેમને સજા થઈ હતી પરંતુ બાદમાં તે આ કેસમાં નિર્દોષ છૂટી ગયા હતા. ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ સાઇફર કેસમાં તેમની ફરી ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન ખાન પર આરોપ છે કે તેમની પાસેથી રાજદ્વારી દસ્તાવેજો ગુમ થઈ ગયા હતા, પરંતુ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે અમેરિકા દ્વારા તેમને સત્તા પરથી હટાવવાની ધમકી આપવામાં આવી છે.