અમદાવાદઃ ગુજરાત રાજ્ય પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાનારી તલાટીની લેખિત પરીક્ષાની નવી સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કર્યા મુજબ તલાટી મંત્રીની પરીક્ષા હવે આગામી 23 એપ્રિલે નહીં, પરંતુ 30 એપ્રિલના રોજ યોજાઈ શકે તેવી શકયતા છે. આગામી દિવસોમાં પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ થતા વિધિવત તારીખની જાહેરાત કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ તલાટીની પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર જાણવા મળ્યા છે.. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી તલાટી કમ મંત્રી (વર્ગ-3)ની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી છે. જે મુજબ આગામી 30 એપ્રિલનાં રોજ તલાટીની પરીક્ષા લેવાય તેવી શકયતા જણાવી છે. IPS હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપતા કહ્યું કે, મંડળ તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા કટિબદ્ધ છે, પૂરતા પરીક્ષા કેન્દ્રો મળે તે માટે પ્રયત્નશીલ છે. કેન્દ્રો ઉપલબ્ધ થતા વિધિવત તારીખની જાહેરાત કરવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના 33 જિલ્લામાં 3,437 જગ્યા પર ભરતી માટે જાન્યુઆરી-2022માં ફોર્મ ભરાયાં હતાં. જેમાં 23 લાખ ઉમેદાવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જે પૈકી 17.20 લાખ ફોર્મ માન્ય રખાયાં છે. જે પ્રમાણે તલાટીની એક જગ્યા માટે 500 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. તલાટી માટે છેલ્લી તારીખ સુધીમાં કુલ 23 લાખ ફોર્મ ભરાયાં હતાં, પરંતુ ભરતી માટે યોગ્ય લાયકાત પૂરી ન કરતા હોવાથી 5 લાખ અને એક કરતાં વધુ વખત ફોર્મ ભરવાને કારણે 1 લાખ જેટલા ઉમેદવારોનાં ફોર્મ રદ કરાયાં હતાં. રાજ્યમાં જાહેર પરીક્ષાના ઇતિહાસમાં સૌથી વધુ ફોર્મ ભરાયાં હોવાની ઘટના પહેલીવાર નોંધાઈ હતી. ત્યારે ઉમેદવારો વારંવાર પરીક્ષાની તારીખ જાહેર કરવાની માગ કરી રહ્યા હતા. સરકાર માટે પણ તલાટીની પરીક્ષાનું આયોજન અગ્નિપરીક્ષા જેવું છે, કારણ કે એક વર્ગમાં સામાન્ય રીતે 28 ઉમેદવારોની પરીક્ષા લેવાય છે, જેથી 17.20 લાખ ઉમેદવાર માટે 61 હજાર જેટલા વર્ગખંડોની જરૂર પડશે. આ સ્થિતિમાં પેપરની ગુપ્તતા જાળવી રાખવી એ પણ એક પડકાર છે.