ગાંધીનગરઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા બાબતે કેટલીક દ્વિધા પ્રવર્તી છે ત્યારે પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને સ્પષ્ટતા જણાવ્યું હતું કે, પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીના લેખિત પરીક્ષા આગામી તા. 23મી એપ્રિલના રોજ લેવા માગે છે. ત્યારે પુરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે. કે, કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી માગવામાં આવી છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ પરીક્ષાની તારીખ વિધિવતરીતે જાહેર કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા 10 એપ્રિલે અને તલાટીની પરીક્ષા 23 એપ્રિલે યોજવાનું આયોજન છે. હજુ પરીક્ષા ક્યારે લેવી તે બાબતે કોઈ ઠોસ નિર્ણય લેવાયો નથી, પણ જિલ્લાઓમાંથી પરીક્ષા કેન્દ્રોની માહિતી મળે કે તરત જ બન્ને પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ તે પહેલા જ પ્રશ્નપત્ર ફૂટી જતા પરીક્ષા મુલત્વી રાખવાની ફરજ પડી હતી. ત્યારબાદ પોલીસ વિભાગના સનિષ્ઠ અધિકારી એવા હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. હાલ બન્ને પરીક્ષા લેવા માટે કાર્યવાહી ચાલી રહી છે. બંને પરીક્ષા એપ્રિલમાં યોજવાનું આયોજન છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં આશરે 10 લાખ અને તલાટીની પરીક્ષામાં આશરે 17 લાખ ઉમેદવાર બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. અત્યારે પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરીક્ષા કેન્દ્રો નક્કી થઈ જાય પછી પરીક્ષા અંગેનો ચોક્કસ કાર્યક્રમ જાહેર થશે. હસમુખ પટેલે ઉમેદવારોને અપીલ કરી છે કે, કોઈ બાબતે અસમંજસ-દ્વિધામાં રહેવું નહીં,પરીક્ષાની તૈયારીમાં જ ધ્યાન આપવું, કોઈ અફવા પર ધ્યાન આપીને ગેરમાર્ગે દોરાવવું નહીં. (file photo)