સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ પરીક્ષાલક્ષી એક પરિપત્ર કરીને વિવાદમાં આવી છે. યુનિએ એવો નિર્ણય લીધો છે કે, પરીક્ષાના ફોર્મ ભરવા સાથે ચૂંટણીનું કાર્ડ પણ અપલોડ કરાવવું પડશે. અને ચૂંટણી કાર્ડ હોય એવા વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે. યુનિવર્સિટીના આ નિર્ણય સામે વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવ્રસિટી તેના એક પરિપત્રને લઈ ફરી વિવાદોમાં સપડાઈ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષમાં 18 વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓ માટે ચૂંટણી કાર્ડ ફરજીયાત બનાવવા સાથે યુનિવર્સિટીની પરીક્ષા તેમજ અન્ય ફોર્મ સાથે અપલોડ કર્યા પછી પરીક્ષા આપી શકશે તેમ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે, વિદ્યાર્થીઓ તકલીફમાં મુકાયા છે. આ બાબતે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી પાસેથી પરીક્ષા ફોર્મ ભરવામાં ચૂંટણી કાર્ડની માહિતી માગવામાં આવી રહી છે. જે તદ્દન અયોગ્ય હોવાનું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા આ માહિતી એકત્ર કરવામાં ફક્ત એક રાજકીય પક્ષને મદદ કરવાનો એકમાત્ર ઉદ્દેશ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યાં છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ સચોટ અને સરળ શિક્ષણ આપી વિદ્યાર્થીઓનું ઘડતર કરવાનો હોવો જોઈએ, નહીં કે રાજકીય પક્ષોની મદદ કરવાનો, વીર નર્મદ યુનિવર્સિટી હર હમશે વિવાદમાં રહે છે અને વિદ્યાર્થીઓને તકલીફમાં મૂકે છે. NSUI દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. આ નિર્ણય પાછો ખેંચી વિદ્યાર્થીઓના હિતનું કાર્ય કરે એવી તેઓ દ્વારા માગ કરાઈ છે.