એલઆરડીની ભરતી માટેની પરીક્ષા આગામી તા. 10મી એપ્રીલને રવિવારે લેવાશે
અમદાવાદઃ રાજ્યમાં પોલીસ વિભાગમાં ભરતી થવા યુવાનોમાં સૌથી વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં એલઆરડી યાને લોક રક્ષક દળની ભરતી માટે જાહેરાત બાદ લાકો અરજીઓ આવી હતી. ત્યારબાદ ઉમેદવારોની શારીરિક કસોટી લેવામાં આવી હતી. તેનું પણ પરિણામ જાહેર થઈ ગયું છે. શારીરિક કસોટીમાં જે ઉમેદવારો ઉતિર્ણ થયા છે તેમની હવે લેખિત કસોટી લેવામાં આવશે.લોકરક્ષક દળની લેખિત પરીક્ષાને લઈને છેલ્લા કેટલાક સમયગાળાથી રાહ જોવાઈ રહી છે, ત્યારે લેખિત પરીક્ષા આગામી 10 એપ્રિલના રોજ લેવામાં આવશે. લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને મહત્વની જાણકારી આપી હતી.
લોકરક્ષક ભરતીમાં જગ્યાના આઠ ગણા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાના જુના નિયમ મુજબ 85000 ઉમેદવારોની પરીક્ષા લેવાની થાત પરંતુ નવા નિયમ મુજબ લગભગ 305000 ઉમેદવારો પરીક્ષા આપશે. 220000 વધુ ઉમેદવારોને લેખિત પરીક્ષા આપવાની તક મળશે.
પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે નોકરીમાં લાગવગથી અને નાણાંના જોરે નોકરી અપાવવાની લાલચ આપતા તત્વોથી સાવધ રહેવા અપીલ કરી છે. પોલીસ ભરતી માટે જો કોઈ નોકરીની અપાવવાની મધલાળ આપે અને બદલામાં નાણાની માગણી કરે તો આવા લોકોની વાતનું રેકોડિંગ આપવા પણ જણાવ્યું છે.
(file photo)