પ્રાથમિક શાળાઓમાં 4થી એપ્રિલથી પરીક્ષાનો પ્રારંભ, 7 એપ્રિલે સ્કોલરશીપ માટે પરીક્ષા લેવાશે
ગાંધીનગરઃ રાજ્યમાં માર્ચ-એપ્રિલ એ પરીક્ષાની મોસમ ગણાય છે. માર્ચમાં ધોરણ 10 અને 12ની તેમજ ગુકેટની પરીક્ષા પૂર્ણ થયા બાદ એપ્રિલમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની પરીક્ષાઓ શરૂ થશે. જેમાં પ્રાથમિક શાળામાં દ્વિતીય કસોટી (વાર્ષિક પરીક્ષા)નો કાર્યક્રમ જાહેર કરાયો છે અને તા. 4 એપ્રિલથી શરૂ થનારી આ પરીક્ષા 23 એપ્રિલે પૂર્ણ થશે.
ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓમાં સમાન સમયપત્રકના આધારે પરીક્ષા લેવાશે. સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો માટે તો રાજ્ય કક્ષાએથી પ્રશ્નપત્ર તૈયાર કરી અપાશે. જ્યારે ખાનગી સ્કૂલો પોતાની રીતે પ્રશ્નપત્ર તૈયાર કરીને પરીક્ષા ગોઠવી શકશે. જોકે, ખાનગી સ્કૂલોએ પણ સમાન સમય પત્રકનું પાલન કરવાનું રહેશે. ધોરણ-5 અને 8માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે માસ અભ્યાસ કરાવ્યા બાદ તેમની પુનઃ પરીક્ષા લેવાની રહેશે. જો પુનઃ પરીક્ષામાં તેઓ પાસ થાય તો તેમને ઉપલા ધોરણમાં પ્રવેશ ફાળવવાનો રહેશે. ધોરણ-3 અને 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. જ્યારે ધોરણ-5થી 8ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે
આ ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્કોલરશીપ માટે 7મી એપ્રિલે પરીક્ષા લેવાશે.રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધો.12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધો.8માં ભણતાં વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ (NMMS)ની યોજના એમએચઆરડી વિભાગ તરફથી અમલમાં છે અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી તા.7 એપ્રિલે આ પરીક્ષા લેવામાં આવશે. સરકારી, લોકલ બોડીની શાળાઓ તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં આ વર્ષે ધો.8ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.