ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી માટે કવાયત, ચૂંટણી જાહેર થતાં જ પ્રથમ યાદી જાહેર કરાશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ.કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ તો ઘણીબધી બેઠકોના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત ચાલી રહી છે. આમ તો કોંગ્રેસે ઉમેદવારોના નામ ચૂંટણી જાહેર થયા પહેલા જ જાહેર કરવાનું કહ્યુ હતું, પરંતુ ટિકિટ માગનારાઓની સંખ્યા વધુ હોવાથી વિરોધ થવાની દહેશતને લીધે નામ જાહેર કરી શકાયા નથી. પરંતુ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને ટિકિટ તમને જ મળશે કામ શરૂ કરી દ્યો એવો ઈશારો કરી દેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસે તમામ બેઠકો માટેના ઉમેદવારોની પેનલો બનાવી દીધી છે. જીતી શકે એવા યુવાનો શિક્ષિતો, મહિલાઓને પણ વધુ ટિકિટ અપાશે. તેમજ જ્ઞાતિના સમીકરણો પણ ધ્યાનમાં રખાશે. ગુજરાતની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાશે. જેમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો મુકાબલો જામશે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર માટેનો રોડ મેપ બનાવી દેવામાં આવ્યો છે. યુવા પરિવર્તન યાત્રાના તર્જ પર હવે કોંગ્રેસ ગુજરાતમાં 5 યાત્રા યોજશે. યાત્રા દરમિયાન રોડ શો, બાઈક રેલી, પદયાત્રા, સભા અને બેઠકોનું આયોજન કરાયું છે. વધુમાં વધુ બેઠકો સુધી પહોંચવાનો કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરાશે. આ રેલી અને યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાશે. દરેક રેલી અને યાત્રામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરી રહેશે. ચૂંટણી પહેલા વધુમાં વધુ વિધાનસભા ક્ષેત્ર કવર કરવા કોંગ્રેસ આયોજન બનાવી રહ્યુ છે. બીજી તરફ ઉમેદવાર પસંદગીની કામગીરી પણ ચાલી રહી છે.ઉમેદવાર પસંદગી માટે કોંગ્રેસની દિલ્હીમાં બેઠક મળશે. 19થી 21 ઓક્ટોબર સ્ક્રીનિંગ કમિટીની દિલ્લીમાં બેઠક મળવાની છે. બેઠક માટે પ્રભારી રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા દિલ્લી જશે. સીઇસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારો ફાઇનલ થશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થશે.