સુરત : પાંડેસરા હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોને આજે ખાલી કરાવી સીલ મારવાની કામગીરી શરૂ કરાતા વસવાટ કરતા લોકોએ ભારે હોબાળો મચાવી ઉધના ઝોનની કામગીરીનો વિરોધ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા હાઉસિંગ બોર્ડમાં જર્જરીત બંધ પડેલા તેમજ ભાડુઆત તરીકે વસવાટ કરતા હોય તેવા ૨૨૦૦થી વધુ મકાનોને આજે સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાઉસિંગ બોર્ડના અધિકારીઓ, ઉધના ઝોનના અધિકારીઓ તથા પોલીસ બંદોબસ્ત સાથે આજે સવારથી મકાનો ખાલી કરાવી સીલ મારવાની કામગીરી શરૂ કરતા વસવાટ કરતા લોકોએ ભારે હોબાળો મચાવી સીલિંગની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો.
સામા ચોમાસાએ હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનો તેમજ ભાડુઆત હોય તેવા મકાનો ખાલી કરાવી દેવાતા વસવાટ કરતા સેંકડો પરિવારો પર આફત આવી પડી છે.
હાઉસિંગ બોર્ડ પાંડેસરામાં એલઆઈજી ૫૪૦, ૫૧૨, ૪૩૨, ૨૪૦, ૧૯૨ અને ૧૫૦ અર્બન ગુજરાત હાઉસિંગ બોર્ડ નોંધાયેલા મકાનો ઘણાં સમયધથી જર્જરીત અવસ્થામાં હોવાથી ગમે ત્યારે મકાન હોનારત થવાની શક્યતાઓને પગલે હાઉસિંગ બોર્ડ તથા ઉધના ઝોન દ્વારા વારંવાર નોટીસો આપી હોવા છતાં વસવાટ કરતા લોકો મકાનો ખાલી કરતા ન હતા.