લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આજે વધુ ચાર ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યાં છે. આમ સીએમ યોગીના મંત્રીઓની સંખ્યા વધીને 22 થઈ છે. સીએમ યોગીના મંત્રીમંડળમાં સામેલ કરાયેલા ચારેય મંત્રીઓને હવે ખાતાઓની ફાળવણી કરવામાં આવશે.
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના નેતા ઓમ પ્રકાશ રાજભર, રાષ્ટ્રીય લોકદળના નેતા અનિલ કુમાર, ભારતીય જનતા પાર્ટીના નેતા દારાસિંહ ચૌહાણ અને સુનીલ કુમાર શર્માએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં હતા. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રિજેશ પાઠક ઉપસ્થિત રહ્યાં હતા.
મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે એસબીએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરએ જણાવ્યું હતું કે, આ મોટી જવાબદારી છે. પ્રદેશમાં ગરીબ, દલિત, લઘુમતીઓ અને ઓબીસી સમાજને યોજનાઓનો લાભ તેમના સુધી પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ છે. આરએલડીના ધારાસભ્ય અનિલ કુમારએ જણાવ્યું હતું કે, સરકારમાં મને જે જવાબદારી સોંપવામાં આવશે તે ઈમાનદારી પૂર્વક રીતે નિભાવીશ.
લોકસભાની ચૂંટણી પૂર્વે જ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. જેથી લોકસભાની ચૂંટણીમાં ભાજપાને ફાયદો થવાની આશા રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે. ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપાએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. ચૂંટણીપંચ દ્વારા હજુ લોકસભાની ચૂંટણીને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જો કે, આગામી સપ્તાહમાં ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.