કચ્છમાં કેસર કેરીનું 75541 મેટ્રીક ટન ઉત્પાદનની આશા
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આગમ સાથે ફળોના રાજા કેરીનું આગમન થયું છે. જો કે, ગુજરાતની ઓળખ ગણાતી ગીર અને કચ્છની કેસર કેરી હજુ માર્કેટમાં આવી નથી. આ વર્ષે દેશ-દુનિયામાં જાણીતી કચ્છની કેસર કેરીનું ઉત્પાદન વધવાની ખેડૂતોને આશા છે. એટલું જ નહીં ગયા વર્ષની સરખાણીએ આ વર્ષે કેરીના ભાવ વધારે મળવાની આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ગયા વર્ષે 10209 હેકટરમાં કેસર કેરીનું વાવેતર થયું છે અને 51254 મેટ્રીકટન કેરીનું ઉત્પાદન થયું હતું. જો કે, ગયા વર્ષે કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉનના કારણે કેસર કેરીનું યોગ્ય વેચાણ થયું ન હતું. જેથી ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, આ વર્ષે કચ્છમાં ગત વર્ષની સરખામણીમાં કેસર કેરીનો વાવેતર વિસ્તાર વધ્યો છે. ચાલુ વર્ષે કચ્છમાં 12756 હેકટરમાં વાવેતર થયું છે. જેથી ઉત્પાદન 75541 મેટ્રીક ટન થવાની આશા છે.
બાગાયત અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યારસુધી વાતાવરણ પાકના તરફેણમાં રહ્યુ છે. આવનારા દિવસોમાં જો કોઈ મુસીબત ન થાય તો બમ્પર ઉત્પાદન થશે. ભાવમાં પણ આ વખતે ખેડૂતોને વધારો મળશે. ગત વર્ષ કરતા રૂ. 10થી 15નો વધારો મળી શકે છે.