દેશમાં ખાદ્યતેલની આયાત ઉપર એક લાખ કરોડથી વધુનો ખર્ચ
નવી દિલ્હીઃ હાલ દેશમાં આશરે 25 મિલિયન ટન ખાદ્યતેજની જરૂરીયાતની સામે માત્ર 10 મિલિયન ટનનું ઉત્પાદન થાય છે. જેથી જરૂરીયાતને પહોંચી વળવા માટે વિદેશથી આયાત કરવામાં આવી રહી છે. હાલ દેશમાં દર વર્ષે એક અંદાજ અનુસાર એક લાખ કરોડથી વધુના ખર્ચે ખાદ્યતેલની આયાત કરવામાં આવે છે.
નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ (NAAS) ના પ્રમુખ ડૉ. ત્રિલોચન મહાપાત્રાએ દેશમાં સ્થાનિક જરૂરિયાતને પહોંચી વળવા ખાદ્યતેલનું ઉત્પાદન વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જીએમ મસ્ટર્ડના જીનેટિકલી મોડીફાઈડના મહત્વ પર નવી દિલ્હીમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ખાદ્ય તેલની ઉત્પાદકતા વધારવા માટે હાઈબ્રિડ ટેકનોલોજીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
ડૉ. મહાપાત્રાએ કહ્યું કે કોવિડ સમયગાળા પછી ખાદ્ય તેલની આયાત પર એક લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જે અર્થતંત્ર પર મોટો બોજ છે. તેમણે કહ્યું કે, હાલમાં દેશને આશરે 25 મિલિયન ટન ખાદ્ય તેલની જરૂર છે, જ્યારે તે માત્ર 10 મિલિયન ટનનું ઉત્પાદન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર ખાદ્ય તેલની આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે ઘણા પગલાં લઈ રહી છે. આ દિશામાં ટેક્નોલોજી અને હાઇબ્રિડ તેલ બીજનો ઉપયોગ મહત્વની ભૂમિકા ભજવશે.