ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ વધારવાની માગ કરી રહ્યા હતા ત્યારે રાજ્ય સરકારે રાજ્યના સ્થાપના દિવસે કર્મચારીઓ અને પેન્શનરોને ત્રણ ટકા મોંધવારી ભથ્થામાં વધારો કરીને ભેટ આપી હતી.
રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે ઉજવવાની પરંપરા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરી હતી. એ શ્રુંખલાના ભાગ રૂપે રાજ્યના ઉત્તર ગુજરાતના મહત્વના એવા પાટણ જિલ્લામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિવસે રાજ્ય સરકારના કર્મચારીઓ તથા નિવૃત કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા 01-07-2021થી 3 ટકાનો વધારો કરાયો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી 9.38 લાખ લોકોને આ લાભ મળશે. તા 01-07-2021થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશે, પ્રથમ હપ્તો મે-2022 અને બીજો હપ્તો જૂન-2022ના પગાર સાથે અપાશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા 369 કરોડના 429 વિકાસ કામોની ભેટ આપવામાં આવી હતી. આ કામોમાં પાટણના નાગરિકોને રૂપિયા 264 કરોડના પાણી કામોનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રીના હસ્તે વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણથી જિલ્લાના અનેક ગામોના 3.22 લાખથી વધુ લોકોને સીધો લાભ મળશે. વિકાસની આ હેલીમાં પંચાયત વિભાગના સીસી રોડ, પીવાની પાઇપ લાઇન, પેવર બ્લોક સહિત 162 કામો રૂ 226.31 લાખના ખર્ચે નિર્માણ થશે. જેનાથી 144 ગામોની 28019 લોકોને ફાયદો થશે. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના 03 કામો 26,435.95 લાખના ખર્ચે કરાશે. બાલીસણા, અજા અને ભાટસણ ખાતે આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ કરાશે.