અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ તમામ જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. ત્યારે આગામી તહેવારોમાં ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બનશે. જોકે લીલા શાક ભાજીના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે, પણ ખાદ્ય તેલથી લઈને અન્ય ચિજ-વસ્તુઓના ભાવ વધારાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગૃહિણીઓને તહેવારના દિવસોમાં રસોડું ચલાવવાના પડકારો વધુ સખત બની ગયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં જીવન જરૂરી ચિજ વસ્તુઓના ભાવમાં આકરો વધારો આગામી દિવસો માં પણ ચાલુ જ રહેશે તેવી શક્યતા છે અને બીજી બાજુ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જરા પણ શરમ રાખ્યા વગર સાફ શબ્દોમાં એમ જણાવવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઘટશે નહીં. ડીઝલના ભાવ વધારાને લીધે તમામ જીવન જરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને બીજી બાજુ જથ્થાબંધ મોંઘવારીના દરમાં વધારો થયાના અહેવાલો બહાર આવી રહ્યા છે ત્યારે લોકો ની વાસ્તવિક પરિસ્થિતિ ખૂબ જ ત્રાસદાયક બની ગઈ છે. રસોઈ ગેસ પેટ્રોલ ખાવા–પીવાનો સામાન કપડા અને રસાયણ સહિતની ચીજવસ્તુઓના ભાવ બે અંકો થી નીચે ઉતરી રહ્યા નથી. ખાદ્ય તેલના ભાવમાં પણ ભયંકર વધારો યથાવત રહ્યો છે અને તેમાં ભાવ નીચે આવવાની કોઈ સંભાવના દેખાતી નથી. તહેવારના દિવસો ચાલી રહ્યા છે ત્યારે લોકોને રસોડામાં ખાવા–પીવાની ચીજવસ્તુઓ વધુ પ્રમાણમાં ખરીદવી પડે છે પરંતુ તેના ભયંકર ભાવને લીધે ગરીબ અને સામાન્ય વર્ગના લોકો ભારે મુસીબતમાં મુકાયા છે અને આગામી દિવસોમાં પણ તેમને આ ભાવ વધારા માંથી કોઈ રાહત મળે તેવા કોઈ સંકેત તો દેખાતા નથી.