અમદાવાદઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી છે અને બાકીના રાજ્યોમાંથી પણ ઝડપભેર ચોમાસુ પૂરું થઈ રહ્યું છે. બીજી તરફ આજે સવારથી વાતાવરણમાં શિયાળાના આગમનની છડી પોકારતુ વાતાવરણ અનુભવાયું હતું. જોકે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ તાપમાનનો પારો ઉંચે ચડયો હતો.
રાજ્યમાં આ વર્ષે ભાદરવો ભરપુર રહ્યા બાદ આસો મહિનામાં પણ વરસાદના ઝાપટાં પડ્યા હતા. હવે મેઘરાજાએ વિદાય લીધી છે. સાથે પવનની દિશા પણ બદલાઈ ગઈ છે અને ઉત્તરિય દિશાના પવન ફૂંકાવાનું શરૂ થયું છે, કાશ્મીરમાં હિમવર્ષા સાથે શિયાળાનો પ્રારંભ થતો હોય છે અને હીમવર્ષા શરૂ થાય તે પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતું હોય છે. આ પ્રકારનું ચાલુ સિઝનમાં પ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પંજાબ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે સવારે જોવા મળ્યું હતું. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે તારીખ 16, 17 અને 18 ના રોજ પંજાબ,કાશ્મીર, જમ્મુ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તોફાની પવન તથા ગાજવીજ સાથે જોરદાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના અમુક ભાગોમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 57થી 70 ટકા આસપાસ રહેવા પામ્યું હતું. પવનની દિશા બદલીને ઉત્તર દિશામાંથી પવન ફૂંકાવાની શરૂ થતા સવારે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો જોકે બપોરના સમયે ગરમી અનુભવાઈ હતી. આગામી દિવસોમાં મોડીરાતથી સવાર સુધી ઠંડીનો ચમકારો અનુભવાશે. ઉત્તરિય પવન ફુંકાવાને લીધે વાતાવરણમાં પલટો આવ્યો છે. બીજી બાજુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે અને તેની અસરના ભાગરૂપે ઓડિશા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ સહિતના રાજ્યોમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. તોફાની પવન ફૂંકાયો છે.