ગુજરાતમાં બે ઋતુનો અનુભવ, પરોઢે ઝાકળ અને બપોરે 35 ડિગ્રી તાપમાન
અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ વિદાય લઈ લીધી છે. હાલ ઠંડી-ગરમી મિશ્રિત બેઋતુ અનુભવાઈ રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે સામાન્ય ઠંડા પવનો ફૂંકાય રહ્યા છે. તેમજ વહેલી પરોઢે કેટલાક વિસ્તારોમાં ઝાકળ પડી રહ્યું છે. અને બપોરના ટાણે તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચી જાય છે. આમ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. બેવડી ઋતુના કારણે બીમારીમાં પણ વધારો થઇ રહ્યો છે.
રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યના હવામાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. તાપમાનમાં પણ કોઇ વધારો થવાની શક્યતા નહીવત છે. હાલ વરસાદ વરસવાની સ્થિતિ ક્યાંય જણાઇ રહી નથી. બુધવારની તુલનાએ ગુરૂવારે મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો અને લઘુત્તમ તાપમાનમાં 1.8 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે શુક્રવારે રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે. રાજ્યમાં બેઋતુને કારણે વાયરલ બિમારીના કેસોમાં વધારો થયો છે. સરકારી અને ખાનગી દવાખાનામાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુરૂવારે અમદાવાદમાં 35 ડિગ્રી, ડીસામાં 35.2, ગાંધીનગરમાં 34, વલ્લભ વિદ્યાનગરમાં 33.9, વડોદરામાં 35.6, સુરતમાં 34.5, વલસાડમાં 34.5, ભુજમાં 34.9, નલિયામાં 32.3, કંડલા પોર્ટમાં 34.5, અમરેલીમાં 35.6, ભાવનગરમાં 35.8, દ્વારકામાં 31.8, ઓખામાં 32.4, પોરબંદરમાં 32.4, રાજકોટમાં 36.8, વેરાવળમાં 32.6, સુરેન્દ્રનગરમાં 36.8, મહુવામાં 34.8, કેશોદમાં 33.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.