દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દેશની મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. બીજી તરફ ઓક્સિજન અને રેમડેસિવર ઈન્જેકશન સહિતની મેડિકલ સુવિધાઓની અછત ઉભી થઈ છે. આ સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારો પ્રયાસો કરી રહી છે. દરમિયાન બિહારના પટણામાં એક વ્યક્તિ કોરોનાની આ મહામારીમાં પોતાના જીવની ચિંતા કર્યા વગર કોરોના પીડિત દર્દીઓની મદદ માટે દોડી જાય છે. તેમજ કોરોના પીડિત દર્દીઓને ઓક્સિજનના સિલેન્ડર પુરા પાડે છે. અત્યાર સુધીમાં તેમણે ઓક્સિજન સપ્લાય કરીને 950થી વ્યક્તિઓના જીવ બચાવ્યાં છે. બિહારમાં લોકોને નવજીવન આપનાર આ વ્યક્તિને હવે ઓક્સિજન મેન તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં ઓક્સિજન માટે કોરોના પીડિતના દર્દીઓ સૌ પ્રથમ તેમને જ સંપર્ક કરીને મદદની માંગણી કરે છે.
પટણામાં ઓક્સિજન મેન તરીકે ઓળખાતા ગૌરવ રાય વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ જરૂરિયાત મંદ દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજન સિલેન્ડર ઘરે પુરા પાડે છે. સામાન્ય વ્યક્તિમાંથી ઓક્સિજન મેન બનવા સુધીની ગૌરવ રાયની સ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. ગયા વર્ષે તેઓ કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમને શ્વાસ લેવામાં સમસ્યા ઉભી થઈ હતી. હોસ્પિટલમાં તેમને ઓક્સિજન નહીં મળતા તેમની પત્ની ચિંતામાં મુકાઈ ગયા હતા. તેમજ પાંચ કલાકની ભારે જહેમત બાદ તેમની પત્નીએ ખાનગી સપ્લાયર પાસેથી ઓક્સિજન સિલેન્ડરની વ્યવસ્થા કરી હતી. કોરોનાને મહાત આપીને સાજા થયા બાદ તેમણે પણ કોરોના પીડિત દર્દીઓને ઓક્સિજનની મદદ પુરો પાડવાનો સંકલ્પ લીધો હતો. તેમના આ સંકલ્પમાં પત્ની પણ જોડાયાં હતા. પત્નીએ પ્રથમ બે સિલેન્ડર ખરીદીને ગૌરવ રાયને આપ્યાં હતા. અહીં શરૂ થઈ હતી ઓક્સિજન મેની સફરની શરૂઆત.
ગૌરવ રાયે આ સંકલ્પને અભિયાનની જેમ ઉપાડીને પટનામાં લગભગ 900થી વધારે લોકોને શ્વાસ પુરો પાડ્યો છે. જ્યારે પણ કોઈ કોલ આવે તરત જ ગૌરવભાઈ પોતાની કારમાં સિલેન્ડર લઈને નીકળી પડે છે અને જરૂરિયાતમંદ વ્યક્તિના ઘરે કોઈ પણ ચાર્જ વિના પહોંચાડીને માનવતાનો ધર્મ નિભાવે છે. ગૌરવનું કામ સવારે 5 વાગ્યાંથી શરૂ થાય છે. તેઓ પોતાની જુની મોટરકારમાં ગેસ સિલેન્ડર લઈને નીકળી પડે છે. મોડી રાત સુધી તેઓ કોવિડના જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરે છે.
ગૌરવ રાયે જણાવ્યું હતું કે, હાલ કોરોનાને લઈને સ્થિતિ ખરાબ છે. લોકોને હોસ્પિટલમાં પણ ઓક્સિજન મળતો નથી. તંત્ર ઓક્સિજન પુરો પાડવાના પ્રયાસો કરી રહ્યું છે તેમ છતા ઓક્સિજન અછત સર્જાય છે. લોકોના ફોન આવતાની સાથે રાતના 12 કલાકે પણ ઓક્સિજન સિલેન્ડર લઈને નીકળી પડુ છું.