અમદાવાદ : ટેકનોલોજીના વિકાસની સાથે સાથે સાયબર ક્રાઈમના ગુનાઓ પણ વધતા જાય છે. તેથી પોલીસે પણ સાઈબર ક્રાઈમના ગુનાઓ ઉકેલવા માટે ટેકનોલોજીના જાણકાર થવું પડે છે, અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ હવે વધુ ટેક્નોસેવી બની રહ્યા છે. સાયબર સિક્યોર યુઝર નામના એક પ્રોગ્રામમાં 16 જેટલા પોલીસ સબ ઇન્સ્પેકટરોએ ભાગ લીધો હતો. જેમા એથીકલ હેકિંગથી લઈને વિન્ડોઝ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ અને આઈ.મેકની સિસ્ટમને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકાય અને અને સાયબર અટેકથી કેવી રીતે બચી શકાય તેના માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ આજના ઝડપી અને ટેકનોલોજીના યુગમાં શરીર સંબંધી ગુના મિલ્કત સંબંધી ગુનાની સરખામણીએ એકંદરે વધ્યા છે. જે પ્રમાણે સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે, તેવા સંજોગોમાં સાયબર ક્રાઇમના કિસ્સામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે નાગરિકોને આવા સાયબર ક્રાઇમથી કેવી રીતે બચાવી શકાય? તેના માટે પ્રોગ્રામ સ્ટાર સિટીફીકેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મમાં વધારો થતાં અને સાથે સાથે કોમ્પ્યુટર, ટેબ્લેટ, પેન ડ્રાઈવ, હાર્ડ ડ્રાઈવ નો ઉપયોગ વધતા ઈન્ટરનેટને લગતા ગુના વધ્યા છે. જેમાં કેવી રીતે શાર્પ બની કામ કરવું તેની ટ્રેઇનિંગ અપાઈ રહી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, બેન્કિંગ ફ્રોડ, ફિશિંગ એટેક, વેબસાઈટ હેકિંગ, ડેટા ચોરી જેવા સાઇબર ગુનાંને અટકાવવા અને તેમાં કામ કરવા માટે પણ ટ્રેનિંગ અપાઈ રહી છે. સાયબર સિક્યોર યુઝર નામની ટ્રેનિંગમાં એથીકલ હેકિંગ પણ શીખવવામાં આવશે. વિન્ડોઝ, લીનોકસ, મેક ઓપરેટિંગ સિસ્ટમને કેવી રીતે સુરક્ષિત રખાય તે વિષય પણ શીખી પોલીસ હવે કામ કરશે. આ તમામ બાબતો હાલ હાઈટેક યુગમાં મહત્વના છે. કારણકે આજકાલ રોકડીયા ચિટિંગ કરતા ઓનલાઈન અને હેકિંગથી ચિટિંગ વધી રહ્યા છે. જેથી હવે પોલીસ આ તમામ ટેક્નિકલ પોઇન્ટ શીખી લોકોને વધુ સુરક્ષિત બનાવશે. (file photo)