ગુજરાત સરકાર દ્વારા ચિત્ર અને સંગીતના શિક્ષકોનું થતું શોષણ, તાસદીઠ માત્ર રૂ.50 ચુકવાય છે
ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજનામાં કરાર આધારિત ચિત્ર અને સંગીતના શિક્ષકોને તાસ દીઠ માત્ર રૂપિયા 50 ચુકવવામાં આવે છે. જ્યારે મહિનામાં મહત્તમ 9 હજારની મર્યાદા નક્કી કરવામાં આવી છે. તે રોજમદાર કરતા પણ ઓછું વેતન મળતું હોવાથી શિક્ષક સંઘ દ્વારા સરકાર સમક્ષ એવી રજુઆત કરવામાં આવી છે. કે, જ્ઞાન સહાયક અને ખેલસહાયકને માસિક 21000 પગાર આપવાની જોગવાઈ છે તો ચિત્ર અને સંગીતના શિક્ષકોને પણ 21000 પગાર મળવો જોઈએ.
રાજ્યમાં સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ચિત્ર અને સંગીત વિષયના શિક્ષકોની અછત છે. જેથી કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. આ શિક્ષકોને માનદ વેતન તરીકે એક તાસ દીઠ 50 રૂપિયા ચૂકવવામાં આવે છે. જ્યારે મહિનાના મહત્તમ 9 હજાર ચૂકવવામાં આવે છે. રોજમદાર કરતા પણ શિક્ષકોનો ઓછો પગાર આપવામાં આવે છે. શિક્ષકો તો ગ્રેજ્યુએશન અને ATD જેવાં કોર્ષ પણ કર્યા હોય છતાં આવી સ્થિતિ ઊભી થઈ છે. પ્રાથમિક શાળાઓમાં હજારો શિક્ષકોની ઘટ છે. આ ઘટ પૂરી કરવા માટે અગાઉ પ્રવાસી શિક્ષકની યોજના લાવવામાં આવી હતી. ત્યારબાદ જ્ઞાન સહાયકની યોજના લાવવામાં આવી છે. ત્યારે હવે સંગીત અને ચિત્ર જેવા વિષયમાં શિક્ષકોની ખોટ પૂરી કરવા કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. આ ભરતી કરાયેલા શિક્ષકોનું શોષણ થતું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. કારણ કે, આ શિક્ષકોને રોજમદાર કરતાં પણ ખૂબ ઓછું વેતન ચૂકવવામાં આવી રહ્યું છે. ચિત્ર વિષયના શિક્ષક બનવા ગ્રેજ્યુએશન અને ATDનો અભ્યાસ કરવો ફરજિયાત છે. આ અભ્યાસ કરવા માટે હજારો રૂપિયા ફી ભરવી પડે છે. 5 વર્ષના અભ્યાસ બાદ જ્યારે શિક્ષક લાયકાત સાથે નોકરી મેળવવા જાય છે ત્યારે શિક્ષકને સાવ ઓછું વેતન ચૂકવવામાં આવે છે. આ અંગે શિક્ષક સંઘે પણ કાયમી ભરતી કરવા અને વેતન વધારવા શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે.
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રીને એવી રજુઆત કરી છે. કે, ચિત્ર અને સંગીતના પ્રવાસી શિક્ષક ભરવાની મંજૂરી આપવામાં આવી છે. જે માટે પ્રવાસી શિક્ષકોને તાસ દીઠ 50 અને મહત્તમ 9000 પગાર ચૂકવવામાં આવે છે. નવી શિક્ષણ નીતિ મુજબ સ્કૂલમાં વ્યાયામ, ચિત્ર અને સંગીતના શિક્ષકો ફાળવવાની પણ જોગવાઈ થઈ છે. સરકાર દ્વારા બજેટમાં 5075 ખેલ સહાયક મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે માત્ર 1800 ઉમેદવાર જ હાજર થયા છે. બાકી રહેતા 3300 જેટલી ખાલી જગ્યા પર ચિત્ર અને સંગીતના શિક્ષકોને ભરતી કરી શકાય છે. જ્ઞાન સહાયક અને ખેલસહાયકને માસિક 21000 પગાર આપવાની જોગવાઈ છે તો ચિત્ર અને સંગીતના શિક્ષકોને પણ 21000 પગાર મળવો જોઈએ. (File photo)