ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને નજીવું વેતન ચૂકવીને કરાતું શોષણ: કોંગ્રેસ
અમદાવાદઃ ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનું સરકાર દ્વારા જ અપુરતું વેતન આપીને શોષણ કરવામાં આવી રહ્યું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનો દૈનિક પગાર માત્ર 48 રૂપિયા, જ્યારે રસોઈયાને દૈનિક 16 રૂ. જેટલું વેતન (જ્યાં સંખ્યા ઓછી હોય ત્યાં) મળી રહ્યું છે. મનરેગા કરતા પાંચમા ભાગનું એટલે કે માત્ર રૂ. 48 પ્રતિદિન વેતન આપીને શોષણ કરવામાં આવી રહ્યુ છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજન યોજનાના સંચાલકને માસિક રૂ.1600, રસોઈવાળાને રૂ.500 થી 1400 અને મદદનીશને માસિક રૂ.300 થી 500 જેટલું નજીવું વેતન સરકાર ચૂકવી રહી છે. ગેસ સિલિન્ડરના 1030 રૂ. છે, જ્યારે મધ્યાહન ભોજનના કર્મચારીનું માસિક વેતન રૂ. 1400 મળે છે. એટલે માત્ર રૂપિયા 1400માં પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે મોટો પ્રશ્ન છે. દેશના અન્ય રાજ્યોમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને ગુજરાત કરતા વધુ વેતન આપવામાં આવે છે. પોંન્ડીચેરીમાં રૂ.21000, કેરળમાં રૂ.14000, તામિલનાડુમાં 9000, જ્યારે ગુજરાતમાં મધ્યાહન ભોજન કર્મચારીને માત્ર રૂ.1400 થી 1600 રૂપિયાનું વેતન મળે છે. ગુજરાતની 38000 સરકારી શાળામાં કામ કરતા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને અન્ય રાજ્ની તુલનામાં કેમ ઓછું વેતન આપવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, જાન્યુઆરી 2022 પછી મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીને વેતન ચૂકવાયુ નથી. મધ્યાહન ભોજન યોજનામાં જરૂરી નાણાંકીય સહાય ભારત સરકાર 40 ટકા અને ગુજરાત સરકાર 60 ટકા ચૂકવે છે. મનરેગાના કામ કરતા શ્રમિકો કરતા પાંચમા ભાગનું એટલે કે માત્ર 48 રૂપિયા પ્રતિદિન મળી રહ્યા છે. વારંવારની રજુઆત છતાં ભાજપ સરકાર મધ્યાહન ભોજન, આશાવર્કર, આંગણવાડી સહિતના કર્મચારીઓની વ્યાજબી માંગણી ન સાંભળીને અન્યાય કરી રહી છે. હાલમાં આ મહિલાઓની હાલત બદથી બદતર થતી જાય છે. સતત વધતી જતી મોંઘવારીના સમયમાં ઘર ચલાવવુ ખૂબ જ મુશ્કેલ થતું જાય છે. ત્યારે, મધ્યાહન ભોજન કર્મચારીઓને કાયમી કરીને “મનરેગા” જેટલું ઓછામાં ઓછુ રોજીંદુ વેતન આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.