Site icon Revoi.in

ટ્રાફિક નિયમનની ફરજ બજાવતા TRBના જવાનોનું શોષણ, હોમગાર્ડ કરતા પણ ઓછું વેતન

Social Share

ગાંધીનગરઃ અમદાવાદ, ગાંધીનગર સહિત તમામ મહાનગરોમાં ટ્રાફિક પોલીસની મદદમાં ટ્રાફિક બ્રિગેડ (ટીઆરબી)ના જવાનોને ફરજ પર મુકવામાં આવે છે. ટ્રાફિકના નિયમનમાં ટીઆરબી જવાનો સતત ઊભા પગે ફરજ બજાવતા હોય છે. ટીઆરબી જવાનોને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવામાં આવતા હોય છે. અને તેમને માત્ર દૈનિક 300 રૂપિયાનું નજીવું માનદ વેતન ચૂંકવવામાં આવે છે. આમ અસહ્ય મોંઘવારીમાં સરકાર દ્વારા ટીઆરબી જવાનોનું શોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઊઠી છે.

અમદાવાદ અને ગાંધીનગરના જુદા જુદા વિસ્તારોમાં  ટ્રાફિકનું સંચાલન કરતા ટીઆરબી જવાનોને છ કલાકની ફરજ બદલ માત્ર 300 જ વેતન ચુકવવામાં આવે છે. હોમગાર્ડના જવાનો જેવી જ કામગીરી હોવા છતાં વેતન ઓછું આપવાથી જવાનોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ત્યારે ટીઆરબી જવાનોના વેતનમાં વધારો કરવાની માંગ ઊઠી છે. ગાંધીનગર શહેરી વિસ્તાર તેમજ જિલ્લાના  ચાર તાલુકાના અલગ અલગ વિસ્તારોના માર્ગો ઉપર ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક બ્રિગેડના જવાનોની (ટીઆરબી)ની ભરતી કરવામાં આવી છે. જોકે શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવતા હોય છે. રોડ ઉપરના ટ્રાફિક નિયમનમાં ટીઆરબી જવાનોનો સિંહફાળો છે. તેમ છતાં વેતન આપવાના મામલે ટીઆરબી જવાનોને અન્યાય કરવામાં આવી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,  હોમગાર્ડના જેવી અને જેટલી જ ટ્રાફિક નિયમની કામગીરી ટીઆરબી જવાનો કરી રહ્યા છે. તેમ છતાં છ કલાકના વેતન બદલ ટીઆરબી જવાનને 300 અને હોમગાર્ડના જવાનોને 450 વેતન ચુકવવામાં આવે છે. આથી ટીઆરબી જવાનોને વેતનના મામલે અન્યાય કરવામાં આવી રહ્યો છે. એકબાજુ કારમી મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું કપરૂ બની રહ્યું છે. ત્યારે ટીઆરબી જવાનોને વેતનમાં રૂપિયા 150 ઓછા આપીને વધુ આર્થિક અન્યાય કરવામાં આવી રહ્યો છે. જોકે ગાંધીનગરમાં અવાર નવાર વીવીઆઇપીના બંદોબસ્તમાં ટ્રાફિક નિયમન સહિતનતી ફરજ ટ્રાફિક બ્રિગેડના જવાનો બજાવી રહ્યા છે. ત્યારે હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખીને વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ ટીઆરબી જવાનોમાં ઉઠવા પામી છે.