Site icon Revoi.in

દિલ્હીના જૂના સીમાપુરી વિસ્તારમાં એક મકાનમાંથી વિસ્ફોટક સામગ્રી પકડાઈ

Social Share

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ઓલ્ડ સીમાપુરી વિસ્તારમાં એક ઘરમાંથી ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝીવ ડિવાઈસ (આઈઈડી) ભરેલી બેગ મળી હતી. જેના પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બનાવની જાણ થતા જ બોમ્બ સ્કોવોડ અને નેશનલ સિક્યોરિટી (એનએસજી) ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. લગભગ આઈઈડીનું વજન લગભગ 3 કિલો હોવાનું જાણવા મળે છે. તેમજ તેને નિષ્ક્રીય કરવામાં આવ્યો છે.

નેશનલ સિક્યોરિટી ગાર્ડના સુત્રોના જણાવ્યા અનુસાર આ પ્રકરણમાં ઘરના માલિક અને પ્રોપર્ટી ડીલરની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. વિસ્ફોટકમાં એમોનિયમ નાઈટ્રેટ અને આરડીએક્સ મિક્સ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એફએસએલ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ મકાનમાં ભાડે રહેનાર શખ્સ ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પોલીસને આશંકા છે કે, સીમાપુરીમાંથી મળેલો વિસ્ફોટક ગયા મહિને ગાઝીપુરના ફુલ બજારમાં આઈઈડી રાખનારા શખ્સોએ બનાવ્યો હોઈ શકે છે. મકાનના બીજા માળેથી આ વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.

ગયા મહિને 26મી જાન્યુઆરી પહેલા ગાઝીપુર ફુલ બજારમાંથી આઈઈડી જપ્ત કરાયું હતું. બંને પ્રકરણમાં એક જ વ્યક્તિની સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે. મકાન માલિકની પત્નીએ જણાવ્યું હતું કે, કેટલાક મહિનાઓ પહેલા બે વ્યક્તિઓને મકાન ભાડે આપ્યું હતું. બીજી તરફ ગાઝીપુર ફુલ બજાર પ્રકરણની તપાસમાં પોલીસને ઓલ્ડ સીમાપુરીમાં વિસ્ફોટક અંગેની માહિતી મળી હતી.