અમદાવાદઃ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ – 2022 ના ભાગરૂપે યોજાયેલ પ્રિ – ઇવેન્ટ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સમિટમાં ‘‘એસ્યુંરીંગ ક્વોલિટી ફોર રેકોગનાઈઝેશન ઓફ નેચરલ ફાર્મિંગ પ્રોડક્ટ’’ વિષયક જ્ઞાન સત્રમાં વિવિધ નિષ્ણાતોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ જ્ઞાન સત્રમાં અપેડાના નિયામક ડો. તરૂણ બજાજે જણાવ્યું કે ભારતમાં કુદરતી રીતે 40 ટકા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી થાય છે. ભારત 60 થી 80 ટકા પ્રાકૃતિક ઉત્પાદનોની નિકાસ અમેરિકા, કેનેડા, યુરોપિયન યુનિયન સહિત અન્ય દેશોમાં થાય છે.
તેમણે ઉમેર્યું કે ભારત પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની એક બિલિયન યુએસ ડોલર જેટલી નિકાસ કરે છે. સમગ્ર વિશ્વમાં પ્રાકૃતિક ખેત પેદાશોનો 110 બિલિયન યુએસ ડોલરનો વેપાર થાય છે, ત્યારે ભારતમાં પ્રાકૃતિક ખેતીની વ્યાપક શક્યતાઓ અને અવકાશ રહેલો છે. તેમણે કહ્યું કે ફસઈના ધારાધોરણો મુજબ દેશમાં જૈવિક ખેત પેદાશોનું ઉત્પાદન રૂ. 3500 કરોડથી વધીને રૂ. 5000 કરોડ સુધી પહોંચ્યું છે. જે આગામી એક વર્ષમાં દસ હજાર કરોડ સુધી પહોંચી જશે. દેશમાં વર્ષ 2017 પહેલા ઓર્ગેનિકના નામે ઉત્પાદનો વેચાતા હતા. દેશમાં જૈવિક ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી માટે નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.
દેશમાં હાલ 50 લાખ હેક્ટર વિસ્તારમાં જૈવિક ખેતી થઈ રહી છે. ખેડૂતોના ખેતરથી લઈ વેચાણ સુધી ગ્રાહકોને વિશ્વાસ જળવાઈ રહે તે માટે જૈવિક ખેત પેદાશો પર નજર રાખવામાં આવી રહી છે. સેન્ટર ફોર સસ્ટીનેબલ ફાર્મિંગના શ્રી જી. વી. રમાંજનેયુલુએ કહ્યું કે જળવાયુ પરિવર્તનની પણ કૃષિ ઉપર અસર પડી છે. કીટકનાશકો અને રાસાયણિક ખાતરોના વધુ પડતાં ઉપયોગના કારણે જમીનને નુકસાન થયું છે. હવે તેને નિવારવાનો સમય છે. નેચરલ ફાર્મિંગ દ્વારા જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરી શકાય છે. પીપલ, પ્લાનેટ અને પ્રોફીટ એમ ત્રણ પી ના આધારે સારી રીતે કરી શકાય છે.
તેમણે એમ પણ કહ્યું કે, ભારતમાં એગ્રો ઇકોલોજીકલ ફાર્મિંગ વિકસાવવાની જરૂર છે. પાકની પધ્ધતિ, જમીન સંરક્ષણ, જળ સંચય અને કુદરતી ખેતીથી જ આ શક્ય બનશે. નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક ફાર્મિંગના ગગનેશ શર્માએ કહ્યું કે પહેલા અમારી સંસ્થા જૈવિક ખાતરોને પ્રમાણિત કરવાનું કાર્ય કરતી હતી. જયારે હવે ટેસ્ટ, સર્ટિફાઇડ અને તાલીમના કાર્યની સાથે કુદરતી ખેતીના પ્રમાણનનું કાર્ય પણ કરે છે.