Site icon Revoi.in

ભારત જોડો યાત્રા POK સુધી લંબાવવા રાહુલ ગાંધીને પૂર્વ CM ઉમા ભારતનું સૂચન

Social Share

ભોપાલઃ રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે અને મોટી સંખ્યામાં સ્થાનિકો યાત્રામાં જોડાઈ રહ્યાં છે, દરમિયાન ભાજપના પૂર્વ મહિલા મુખ્યમંત્રી ઉમા ભારતીએ રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા અને કહ્યું કે, રાહુલ ગાંધીએ પીઓકે સુધી યાત્રા કરવી જોઈએ અને ભારતમાં પીઓકેને જોડવાના પ્રયાસ કરવા જોઈએ.

મધ્યપ્રદેશના બેતૂલમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા ઉમા ભારતીએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મુદ્દે કહ્યું હતું કે, જોડવુ હોય તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) સુધીની યાત્રા કરવી જોઈએ. ઉમા ભારતી નાગપુરમાં બેતૂલમાં પહોંચ્યાં હતા. તેમજ ભાજપના નેતા રાજીવ ખંડેલવાલના નિવાસસ્થાન પહોંચ્યાં હતા.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને ઉમા ભારતીએ કહ્યું કે, મને સમજ નથી પડતી કે ભારત ક્યારે તુટ્યું હતું. જ્યારે પાકિસ્તાન અલગ થયું ત્યારે ભારત તુટ્યું હતું. તે ભારત રાહુલ ગાંધીના નાના જવાહરલાલ નહેરુના સમયમાં તુટ્યું હતું. અમે તો આર્ટીકલ 370 હટાવીને કાશ્મીરને જોડવાનું કામ કર્યું છે. જો તેઓ ભારતને જોડવા ગંભીર હોય તો પીઓકેને ભારતમાં જોડે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું બેતુલમાંથી રાહુલ ગાંધીને સંદેશ આપવા માંગુ છું, ભારતને જોડવામાં એક જરુરી છે તે પીઓકે છે, જેથી મહેરબાની કરીને આ યાત્રા ત્યાં સુધી લઈ જાય, અને પીઓકેને ભારતમાં જોડીને જ પરત આવે તો, નહીં તો ત્યાં જ રોકાઈ જાય.

ઉમા ભારતીએ દારૂબંધીને લઈને સુત્ર આપ્યું હતું કે, દારૂ નહીં દેશી ગાયનું દૂધ પીવો, મધુશાલા બંધ કરીને ગૌશાળા ખોલવી જોઈએ. શરાબ નીતિમાં રહેલી ખામીઓ હતી જે મુખ્યમંત્રી શિવરાજ સિંહએ સ્વિકારી છે અને તેમણે કહ્યું છે કે, ખામીઓ દૂર કરવામાં આવશે.