રાજ્યમાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે ઈમ્પેક્ટ ફીની મુદતમાં 16 ડિસેમ્બર સુધી વધારો
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ઈમ્પેક્ટ ફીનો બિલને મંજુરી મળ્યા બાદ તેની મુદતમાં વધારો કરાયો છે. દરમિયાન ફરીવાર ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધારો કરાયો છે. એટલે જે ગેરકાયદે બાંધકામો કરાયા તેને નિયમિત કરી શકાશે.ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે ઇમ્પેક્ટ ફી કાયદા હેઠળ અનિયમિત બાંધકામોને નિયમિત કરાવવા માટેની સમયમર્યાદા વધુ છ મહિના માટે લંબાવી દીધી છે. હવે આગામી 16 ડિસેમ્બર સુધી ઇમ્પેક્ટ ફી અંગેની અરજીઓ કરી શકાશે. અગાઉ સરકારે જાહેર કરેલી તારીખ મુજબ ઇમ્પેક્ટ ફી હેઠળ અરજી કરવા માટે શુક્રવારે છેલ્લો દિવસ હતો, પરંતુ સરકારે તેને ફરી લંબાવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મહાનગરોમાં ઘણાબધા ખાનગી બાંધકામો અનિયમિત હોવાનો અંદાજ છે. આવાં બાંધકામોને નિયમિત કરવા માટે સરકારે મકાનમાલિકોને અનેકવાર તક આપી હતી, જો કે ગયા વર્ષે વટહુકમ મારફતે જાહેરાત થઇ ત્યારથી માંડીને આજદિન સુધીમાં આ હેઠળ રાજ્ય સરકારને માત્ર 65 હજાર અરજીઓ જ મળી છે. જેમાં અમદાવાદ શહેરમાંથી 35 હજાર, સુરતમાંથી 23 હજાર, રાજકોટમાંથી 8 હજાર અને વડોદરામાંથી 7 હજાર અરજીઓ મળી છે, જેમાંથી માત્ર 5 ટકા અરજીઓ મંજૂર કરવામાં આવી હતી.,જ્યારે 20 ટકા નામંજૂર કરાઈ હતી. જ્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સમક્ષ 15મી જૂન સુધીમાં ગેરકાયદે બાંધકામને કાયદેસર કરીને ઇમ્પેકટ ફી ભરવા માટેની 38,600 અરજી આવી છે. આમાંથી 18,000 અરજીઓની સ્ક્રુટિની કરી દેવાઇ છે. જેમાંથી 1470 અરજીઓ મંજૂર કરી દેવાઇ છે જ્યારે પુરાવા, માપ અને અન્ય પુરાવા મળ્યા નહીં હોવાથી 15,400 અરજીઓ જાવકમાં છે.
રાજ્યના નાનામોટા શહેરોમાં થયેલાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે ભૂપેન્દ્રભાઇ પટેલ સરકારે વિધાનસભામાં મંજૂર કરેલાં ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ ડેવલપમેન્ટ એક્ટ (ગ્રૂડા)ની મુદત વધુ છ માસ લંબાવવાની જાહેરાત કરી છે.રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા એક નોટિફિકેશન જારી કરીને ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવાનાં ઇમ્પેક્ટ ફીના કાયદા (ગ્રૂડા)ને ૧7મી જૂનથી વધુ છ માસ માટે લંબાવવાની જાહેરાત કરાઈ છે.
અત્રે ઉલ્લેખનિય છે. કે, ઇમ્પેક્ટ ફીનો કાયદો લવાયો ત્યારે ત્યારે કટ ઓફ ડેટ જાહેર કરાય છે, જેનો અર્થ એવો થાય છે કે, આ તારીખ પછી કોઇ ગેરકાયદે બાંધકામ થવા દેવાશે નહિ અને તેને નિયમિત પણ કરાશે નહિ, પરંતુ સરકાર દ્વારા વધુ એક વાર ઇમ્પેક્ટ ફીનો કાયદો જાહેર કરવામાં આવ્યો, તેમાં નિયમો અને જોગવાઇઓ આકરી હોવાથી શહેરમાં હજારોની સંખ્યામાં ગેરકાયદે બાંધકામ થયાં હોવા છતાં 36 હજાર જ અરજી સાતેય ઝોનમાંથી આવી હતી.(file photo)