ધોરણ 10ના પરીક્ષા ફોર્મ ભરવાની મુદમાં વધારો, ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે સ્વીકારાશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલ 2023માં લેવાનારી ધો.10ની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. ફોર્મ ભરવાની મુદત લંબાવી રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની મુદત 18 ડિસેમ્બર સુધી કરી છે. રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની મુદત પૂર્ણ થયા બાદ 19 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાનું નક્કી કરાયું છે. જેમાં પ્રથમ તબક્કા માટે રૂ. 250 લેઈટ ફી, બીજા તબક્કા માટે રૂ. 300 લેઈટ ફી અને ત્રીજા તબક્કા માટે રૂ. 350 લેઈટ ફી રાખવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જમાવ્યા મુજબ ધોરણ-10ની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવીને 18મી, ડિસેમ્બર-2022 કરાઇ છે. જોકે વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ઓનલાઇન જ ભરવાના રહેશે. ત્યારબાદ ત્રણ તબક્કામાં લેઇટ ફી સાથે ફોર્મ શિક્ષણ બોર્ડ દ્વારા સ્વિકારાશે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાનારી ધોરણ-10ની પરીક્ષા માટેના ફોર્મ ઓનલાઇન ભરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની માગણીને ધ્યાનમાં રાખીને શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ના પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18મી, ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. જોકે ત્યારબાદ ધોરણ-10ના વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ લેટ ફી સાથે ત્રણ તબક્કામાં સ્વીકારવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં લેઇટ ફી રૂપિયા 250, બીજા તબક્કામાં રૂપિયા 300 અને ત્રીજા તબક્કામાં લેટ ફી રૂપિયા 350 નક્કી કરવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ધોરણ-10ના વિદ્યાર્થીઓના લેઇટ ફી સાથે પરીક્ષા ફોર્મ સ્વિકારવાની કામગીરી તારીખ 19મીથી તારીખ 23મી, ડિસેમ્બર સુધી પ્રથમ તબક્કો યોજાશે. ત્યારબાદ બીજો તબક્કો આગામી તારીખ 24મી, ડિસેમ્બર-2022થી તારીખ 2જી, જાન્યુઆરી-2023 સુધી રહેશે. જ્યારે ત્રીજો તબક્કો આગામી તારીખ 3જીથી તારીખ 7મી, જાન્યુઆરી-2023 સુધી રહેશે. જોકે ઓનલાઇન આવેદનપત્રો ભરવાની સૂચનાઓ સાથે સાથે ઓનલાઇન અને ઓફલાઇન ફી ભરવા સબંધિત સ્પષ્ટ સૂચનાઓ ધ્યાને રાખવાનો પણ આદેશમાં ઉલ્લેખ છે.