ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનામાં તા. 7મી જાન્યુઆરી-2023 સુધી 100 ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં અગાઉ તારીખ 13-07-2022 થી 90દિવસ સુધી 100 ટકા પેનલ્ટી માફીનો ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહન વળતર યોજના અંતર્ગત’’ કરેલી જાહેરાતનો લાભ 10,583 લાભાર્થીઓએ લીધો હતો. હવે વધુમાં વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને બાકી હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી 100 ટકા પેનલ્ટી માફી યોજનાની મુદત તારીખ 7-01-2023 સુધી લંબાવી આપી છે.
મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલના ગુજરાત રાજ્યમાં આવેલી જુની યોજનાઓમાં બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને લાભ મળી શકશે. એટલું જ નહિ, સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક 8 ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે અને નવા આવાસોના આયોજન માટે આર્થિક વેગ મળશે. આના પરિણામે નાગરિકોને નવા આવાસોની પ્રાપ્તિ કરવામાં સરળતા રહેશે. ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનામાં તા. 7મી જાન્યુઆરી-2023 સુધી 100 ટકા પેનલ્ટી માફી અપાશે. આ યોજનાનો લાભાર્થીઓને લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.