Site icon Revoi.in

ગુજરાત સરકારના વર્ગ-3ના કર્મચારીઓને સ્થાવર-જંગમ મિલકત જાહેર કરવાની મુદતમાં કરાયો વધારો

Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકારના વર્ગ-3થી વર્ગ-1ના તમામ કર્મચારીઓને પોતાની સ્થાવર અને જંગમ મિલક્તો જાહેર કરવી પડે છે. તેના માટે નક્કી કરેલી તારીખ સુધીમાં મિલકત પત્રકો ભરીને આપવાના હોય છે. ત્યારે વર્ગ-3ના કર્મચારીઓએ રાજ્યપત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રકો ભરવાનો પરિપત્ર તા.28-02-2024ના બહાર પાડવામાં આવ્યો હતો. જે કામગીરી તા.15-05-24 સુધી પૂર્ણ કરવાની હતી પરંતુ ત્યારબાદ તેની મુદત વધારીને તા.15-07-24 કરાઇ હતી. જો કે, આ સમય દરમિયાન કામગીરી પૂર્ણ ન થતાં હવે તેની અવધિ તા.31-08-24 સુધી લંબાવવામાં આવી છે.

ગાંધીનગર સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્ય સરકારના વર્ગ-3ના કર્મચારીઓને સ્થાવર-જંગમ મિલકત જાહેર કરવા માટેની મુદત વધારાના તા.15-07-24ના પરિપત્ર મુજબ કર્મચારીઓનો એચ.આર.પી.એન.નંબર જનરેટ કરવા, રજિસ્ટ્રેશન કરવા, કર્મીઓના વર્ષ 2023ના કેલેન્ડર વર્ષ (જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી)ના મિલકતપત્રકો કર્મયોગી સોફટવેરમાં ઓનલાઇન ભરવાના હતા પરંતુ આ સોફ્ટવેરમાં રહેલા તકનીકી પડકારોને ધ્યાને લેતાં મિલકત પત્રકો ભરવા અંગેની તમામ કામગીરીની સમય મર્યાદા તા.31-08-2024 સુધી લંબાવવામાં આવી છે. આ લંબાવાયેલી સમયમર્યાદા કર્મયોગી એપ્લીકેશન પર રાજ્યના વર્ગ-3ના કર્મચારીઓના વર્ષ 2023ના કેલેન્ડર વર્ષના મિલકતપત્રકો ભરવાની કામગીરી પૂરતી જ મર્યાદિત રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના વર્ગ-3ના કર્મચારીઓએ મિલકત પત્રકો ભરવા માટે લંબાવાયેલી સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય તે અંગે દરેક કર્મચારી, સંવર્ગ સંચાલક સત્તાધિકારીને કાળજી રાખવા અને સંવર્ગ સંચાલક સત્તાધિકારીને આ અંગે યોગ્ય મોનિટરીંગ કરી એચ.આર.એમ.એસ. પ્રભાગ, સામાન્ય વહીવટી વિભાગના સંકલનમાં રહી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. (File photo)