રાજકોટઃ ગુજરાતમાં ભાદરવો ભરપૂર બન્યો છે. કેટલાક સમયથી સતત વરસેલા વરસાદને લીધે હવે ખરીફ પાકો અત્યંત જોખમ હેઠળ આવી ગયા છે. કઠોળ અને તલ જેવા પાકમાં વ્યાપક નુકસાની થઈ ચૂકી છે. હવે કપાસ, મગફળી અને એરંડા પર ભારોભાર જોખમ છે. ઘણા વિસ્તારોમાં નુકસાની શરૂ થઈ ગઈ છે. કપાસ અને એરંડામાં સતત પાણીને લીધે છોડ સુકાઈ જવાના બનાવો નોંધાવા લાગ્યા છે. એવામાં ગુલાબ વાવાઝોડાંથી હજુ બે-ત્રણ દિવસ વરસાદ પડવાની આગાહી થઈ છે એટલે ખેડૂતો વધુ ચિંતિત બન્યા છે.
ગુજરાતમાં અનેક વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ વરસાદથી ખરીફ પાકને વ્યાપક નુકશાની થવાની ખેડુતો ભીતી અનુભવી રહ્યા છે. કપાસમાં આગોતરા માલનું નિકંદન નીકળી ગયું છે. આગોતરા કપાસ હવે પાણી સુકાય એટલે કાપી નાંખવા પડે તેમ છે, કારણ કે જીંડવા વરસાદને લીધે ખરી ગયા છે અને છોડ ઉભા છે તે સૂકાવા લાગ્યા છે. એ જોતા આગોતરા માલમાં 40-50 ટકા જેટલું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
ખેડુકોના કહેવા મુજબ આગોતરા માલમાં નુકસાની મોટી છે. ખેડૂતો પાસે હવે કાપીને તરત શિયાળુ પાકો લેવા સિવાયનો વિકલ્પ રહ્યો નથી. પાછોતરાં વાવેતરમાં બહુ સમસ્યા નથી પણ હવે વરસાદ પડે તે તેમાંય જીંડવા ખરી જશે. કપાસ-રૂના ઉત્પાદનનાં અંદાજો આ વખતે અનિશ્ચિત રહે તેમ છે. જોકે મોડેથી કરેલા વાવેતરમાં કોઈ સમસ્યા નહીં હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું.
સોરાષ્ટ્રમાં વધુ વરસાદથી માત્ર કપાસને જ નહીં પણ મગફળીમાં પણ નુકસાની થઈ રહી છે. આગોતરી 20 અને 29 નંબરની મગફળી પાકી ગઈ છે. તે હવે ઉપાડવાનો સમય છે પણ વરસાદને લીધે ઉપાડી શકાઈ નથી. જો હજુ ઉપાડી ન શકાય તો ઉગી જવાનું જોખમ વધારે છે. 24, 37 અને 39 નંબરની મગફળીમાં ઠેક ઠેકાણે ઉગાવો શરૂ થઈ ગયો છે. જેમણે કાઢી નાખી છે એમના પાથરા પલળી ગયા છે. ઉગેલી મગફળી ગોગડી થઈ જાય છે અને એના નહીં જેવા દામ આવે છે. આ ઉપરાંત અડદ, મગ અને તલ ટૂંકા દિવસોમાં થઈ જતા પાકો છે. તેમાં સતત વરસાદને લીધે શીંગમાં પાણી ભરાઈ જતા ઉત્પાદન સાવ ઓછું આવશે. અડદનાં વાવેતર ઉંચા ભાવને લીધે વ્યાપક પ્રમાણમાં થયા હતા. એમાં પણ બગાડ છે. ખેડૂતોના હાથમાં પચ્ચાસ ટકા જેટલો પાક માંડ માંડ આવે તેમ છે.
ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં એરંડાના પાકમાં પણ નુકસાનીની ચર્ચા ખેડૂતોમાં થઈ રહી છે. ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહેવાને લીધે એરંડાના છોડ સુકાઈ ગયા છે એની અસરથી હવે ઘણા ખેતરોમાં ફેર વાવેતર કરવું પડે તેમ છે. જોકે ખેડૂતો તેના બદલે હવે શિયાળુ સિઝનનો રાયડો કે મીઠી મકાઈ વાવવાનું પસંદ કરશે. આ વર્ષે અગાઉ વરસાદ ન હતો ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા અને પાણ માટે ખર્ચ કરી રહ્યા હતા. હવે કુદરત વરસી છે પણ કહેર જેવો વરસાદ લાગી રહ્યો છે.