Site icon Revoi.in

વડોદરા, અંકલેશ્વર અને દહેજની ફેકટરીઓ દ્વારા છોડાતા ઝેરી કેમિકલથી ખેડૂતોને વ્યાપક નુકસાનઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ ભરૂચ અને વડોદરા જીલ્‍લાના ઝેરી કેમીકલ ઉદ્યોગોના પ્રદૂષિત જળ અને હવા છોડાતાં હવામાં રહેલા ઝેરી 2, 4D અને 2, 4D-B રસાયણોને કારણે ભરૂચ અને વડોદરા જીલ્‍લાના 50 હજાર ખેડૂતોની 5 લાખ હેકટર જમીનનો રૂ. 2000 કરોડનો કપાસ-તેલીબીયાંનો પાક, વૃક્ષો અને ખેતીની જમીનને ભારે નુકશાન થયું હોવાનું જણાવીને લેવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ખેડૂતને એકરદીઠ રૂ. 40 હજારનું વળતર આપવા તથા ઝેર ઓકતાં કેમીકલ યુનિટો સામે સખત કાર્યવાહી કરીને ઝેરી રસાયણો સમગ્ર વિસ્‍તારને વેરાન કરી નાખે તે પહેલાં પગલાં લેવાની માંગણી કરી હતી.

કોંગ્રેસના સિનિયર આગેવાન અર્જુન મોઢવાડિયાએ જણાંવ્‍યું હતું કે આ વર્ષે ભરૂચ અને વડોદરા જીલ્‍લા કેમીકલ રસાયણોના વાયુ અને જળપ્રદૂષણને કારણે ભારે વિકૃતિ અને નુકશાન નજરે આવતાં ગુજરાત ખેડૂત સમાજની આગેવાની હેઠળ ભરૂચ જીલ્‍લાના હજારો ખેડૂતોએ રેલી કાઢી હતી. ત્‍યારબાદ નિમાયેલી આ નિષ્‍ણાંત સમિતિએ સ્‍થળ તપાસ કરીને વૈજ્ઞાનિક તારણોને આધારે 22મી જુલાઈએ વિગતવાર અહેવાલ સુપ્રત કર્યો હતો. વૈજ્ઞાનિક તારણોને આધારે આપેલા નિષ્‍ણાંત સમિતિના અહેવાલમાં જણાવ્‍યું છે કે હવામાં રહેલા 2, 4D અને 2, 4D-B જેવાં ફીનોક્ષી કંપાઉન્‍ડને કારણે કપાસ, કઠોળ, વૃક્ષોમાં 2012 થી 2020 સુધી જે વિકૃતિઓ જોવા મળી હતી તેવી જ વધુ માત્રામાં વિકૃતિઓ 2021માં જોવા મળી છે. 2, 4D અને 2, 4D-B જેવાં ફીનોક્ષી કંપાઉન્‍ડ જળ અને વાયુમાં હાજરીની ચકાસણી અને નિયંત્રણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સતત કરવું જોઈએ, પરંતુ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આ ચકાસણી અને નિયંત્રણ કરવામાં છેલ્‍લા દસ વર્ષથી નિષ્‍ફળ રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુર્ભાગ્‍યપુર્ણ બાબત એ છે કે આ 2, 4D અને 2, 4D-B ફીનોક્ષી કંપાઉનડ માનવ અને પશુના શરીરના લોહીમાં પ્રવેશ કરીને સમગ્ર જીવસૃષ્‍ટિ ઉપર ભય કરનારાં હોવા છતાં ભારતીય જનતા પક્ષની સરકાર આ ઝેરી કેમીકલોને હવામાં અને જળમાં માપણી કરવાના યંત્રો/સાધનો વસાવવા કે પ્રદૂષણને નિયંત્રણ કરવાની કોઈ કાર્યવાહી કરેલ નથી. અંકલેશ્‍વર, વડોદરા, વાપીની કેમીકલ કારખાનાઓ ધરાવતા ઔદ્યોગિક વસાહતો-જીઆઈડીસીઓને ભારત સરકારે ક્રિટીકલ ઝોનમાં મુકીને એશીયાની સૌથી પ્રદૂષિત વિસ્‍તાર ઘોષિત કરવા છતાં પણ આ કેમીકલ કારખાનાઓ તો પ્રદૂષણ ઓકી રહ્યાં છે. પરંતુ કેન્દ્રની ભાજપ સરકારે અંકલેશ્વર સહિતના ઔદ્યોગિક કલસ્‍ટરોની ક્રિટીકલ ઝોનની યાદીમાંથી દૂર કરતાં હવે નવાં પ્રદૂષણ ઓકનારાં કારખાનાઓ આવી રહ્યાં છે.