Site icon Revoi.in

આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં નક્સલવાદ મામલે NIAના વ્યાપક દરોડા

Social Share

બેંગ્લોરઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ સોમવારે ડાબેરી ઉગ્રવાદ અથવા નક્સલ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 60થી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. બંને રાજ્યોમાં શંકાસ્પદ પરિસર અને સ્થળો ઉપર દરોડાની કાર્યવાહીને પગલે ખળભળાટ મચી ગયો છે. એનઆઈએની ટીમે ચોક્કસ બાતમીના આધારે બંને રાજ્યોમાં સ્થાનિક પોલીસની મદદથી દરોડા પાડ્યાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, ડાબેરી ઉગ્રવાદના કેસમાં આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં કુલ 60 સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે નેતાઓના ઘરની તલાશી લેવામાં આવી રહી છે તેમાં એવા લોકો સામેલ છે જેમના નક્સલવાદીઓ સાથે સંબંધ હોવાની આશંકા છે. તેલંગાણાના હૈદરાબાદ અને આંધ્રપ્રદેશના ગુંટુર, નેલ્લોર અને તિરુપતિ જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા.

અગાઉ, 9 સપ્ટેમ્બરના રોજ, NIA એ ઓગસ્ટ 2023ના કેસના સંબંધમાં તેલંગાણા અને છત્તીસગઢમાં અનેક દરોડા પાડ્યા હતા. જેમાં કેટલીક વાંધાજનક વસ્તુઓ મળી આવી હોવાનું જાણવા મળે છે. NIAએ કોઠાગુડેમના ચેરલા મંડલમાં જૂન મહિનામાં વિસ્ફોટક સામગ્રી, ડ્રોન અને લેથ મશીન જપ્ત કર્યા બાદ 12 આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો.

ભારતીય સુરક્ષા એજન્સીઓએ દેશ વિરોધી પ્રવૃતિઓને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. જેના ભાગસ્વરૂપે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે વ્યાપક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં એનઆઈએની ટીમોએ દિલ્હીમાં 3 આતંકવાદીઓને શોધવા માટે વિવિધ સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. આ ઉપરાંત ખાલિસ્તાનીઓને ડામવા માટે એનઆઈએ અને પોલીસે પંજાબમાં વિવિધ સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. તેમજ પન્નુ સહિતના ખાલીસ્તાની આતંકવાદીઓની મિલકત જપ્તિની કાર્યવાહી કરવામાં આવી હતી.