- ભારતે કેમ વિદેશોમાં વેક્સિન મોકલી?
- વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર આપ્યા જવાબ
- ભારતે અઢળક વેક્સિનને વિદેશમાં કરી નિકાસ
દિલ્લી: ભારત સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયમાં મોટી સંખ્યામાં કોરોનાવાયરસની વેક્સિનની નિકાસ કરવામાં આવી છે. ભારતમાં પણ રોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે ક્યાંકને ક્યાંક એવા પણ સવાલ ઉભા થયા છે કે ભારતે કેમ વિદેશોમાં વેક્સિનની નિકાસ કરી.
આ બાબતે ભારતના વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરએ ભારતની વેક્સિન ડિપ્લોમેસીનો બચાવ કર્યો છે. જયશંકરએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કોવાક્સ કરાર હેઠળ રસી અન્ય દેશોમાં મોકલવા માટે ભારતે આંતરરાષ્ટ્રીય કરાર કર્યો છે. ઘણા દેશો ઓછા ભાવે રસી આપવા બંધાયેલા હતા. અમે અમારા પડોશીઓ વિશે પણ ચિંતિત હતા અને અમે નથી ઇચ્છતા કે (કોરોના) રોગચાળો આપણા ઘરના દરવાજાની બહાર ફેલાય.
વિદેશમંત્રી દ્વારા તે પણ કહેવામાં આવ્યું હતુ કે સરકાર નબળી નહોતી પડી, પણ બીજી લહેર ત્યારે આવી જ્યારે પહેલી લહેર કાબૂમાં હતી. ચૂંટણી માટે જે રેલીઓ કરવામાં આવી તેના વિશે જયશકંરએ જણાવ્યું કે રેલી કરવાથી તમામ લોકોને વાંધો હશે પરંતુ એકત્ર થઈને વિરોધ કરે છે તે શું યોગ્ય છે?
જયશંકરે કહ્યું, ‘એ કહેવું સહેલું છે કે આપણે કોઈ પણ પ્રકારની મીટિંગની મંજૂરી ન આપવી જોઈએ. પરંતુ તે પણ યાદ રાખવું જોઈએ કે એક વર્ષ પહેલા કયા પગલા લેવામાં આવ્યા હતા?
જી-7ની મીટીંગમાં ભાગ લેવા લંડન પહોંચેલા વિદેશ પ્રધાને કહ્યું, “લોકશાહી દેશમાં તમારી પાસે પસંદગીના ઘણા વિકલ્પો નથી.” કલ્પના કરો કે જો સરકારે કહ્યું હોત કે ચૂંટણીઓ યોજાશે નહીં, તો પછી વિચારો… આ અંગેની પ્રતિક્રિયા શું હશે! એક વર્ષ પહેલા અમે લોકડાઉન મૂક્યું, કારણ કે અમે આ રોગચાળા સાથે વ્યવહાર કરવામાં સમર્થ ન હતા. મેં ફ્રીડમ હાઉસનો રિપોર્ટ જોયો હતો અને એમાં આક્ષેપ કર્યો હતો કે સીએએ વિરોધી આંદોલનને સમાપ્ત કરવા માટે લોકડાઉન લાદવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રક્રિયા રોકી શકાતી નથી.
એસ જયશંકરે કહ્યું કે ભારતમાં રસી કંપનીઓએ ભારતની જરૂરિયાતોને પહોંચી વળવા ઉત્પાદન વધારવાની યોજના ઘડી હતી, પરંતુ ત્યારબાદ ફેબ્રુઆરી અને માર્ચમાં સ્પષ્ટ થઈ ગયું કે કાચા માલની અછત છે. તેમણે કહ્યું, “માર્ચથી અમે વિદેશ મંત્રાલય દ્વારા વિદેશથી કાચો માલ લાવવા પ્રયાસો કરી રહ્યા છીએ.”