દિલ્હી:યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી એસ.જયશંકર આજે રશિયાની બે દિવસીય મુલાકાતે જશે.તેમની મુલાકાત દરમિયાન તેઓ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને નાયબ વડાપ્રધાન ડેનિસ મંટુરોવ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.તેમની મોટાભાગની બેઠકો મંગળવારે યોજાનાર છે.વિદેશ મંત્રાલયે ગુરુવારે જયશંકરની મુલાકાત અંગે માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે રશિયાની મુલાકાત દરમિયાન જયશંકર તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાતચીત કરશે.
જયશંકરની આ મુલાકાત બાલીમાં 15-16 નવેમ્બરે યોજાનારી G20 સમિટના થોડા દિવસો પહેલા થઈ રહી છે.યુક્રેનના યુદ્ધ પછી આ પ્રથમ વખત બનશે જ્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને યુએસ પ્રમુખ જો બાઈડેન સહિત અનેક દેશોના નેતાઓ એક જ ટેબલ પર હશે. જયશંકરની રશિયાની મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ મુલાકાત યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે થઈ રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે,વિદેશમંત્રી તેમની બેઠકોમાં યુદ્ધના શાંતિપૂર્ણ અંતનો મુદ્દો ઉઠાવશે.જયશંકર છેલ્લે જુલાઈ 2021માં રશિયા ગયા હતા.
જયશંકરની રશિયાની મુલાકાત યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે થઈ રહી છે.છેલ્લા કેટલાક મહિનામાં ભારતે કેટલાક પશ્ચિમી દેશોના દબાણ છતાં રશિયા પાસેથી સબસિડીવાળા ક્રૂડ ઓઈલની આયાત વધારી છે.ફેબ્રુઆરીમાં યુક્રેન સંઘર્ષ શરૂ થયો ત્યારથી જયશંકર અને લાવરોવ ચાર વખત મળ્યા છે.રશિયાના વિદેશ મંત્રી એપ્રિલમાં ભારતની મુલાકાતે આવ્યા હતા.આ મુલાકાત દરમિયાન લાવરોવે જયશંકર સાથે વિસ્તૃત વાતચીત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા ભારતની મુલાકાતે આવ્યા હતા.