વિદેશ મંત્રી જયશંકરે તેમના જાપાની સમકક્ષ યોશિમાસા હયાશી સાથે મુલાકાત કરી,આ મુદ્દાઓ પર થઇ ચર્ચા
દિલ્હી: ભારત અને જાપાને સંરક્ષણ સાધનો અને ટેક્નોલોજીના ક્ષેત્રોને વિસ્તૃત કરવાના માર્ગો ઉપરાંત સેમિકન્ડક્ટર જેવી મહત્ત્વની અને ઉભરતી તકનીકોમાં સંભવિત સહકારની શોધ કરી. વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના જાપાની સમકક્ષ યોશિમાસા હયાશીએ વ્યાપક સંવાદમાં ભારત અને જાપાન વચ્ચે મુક્ત, ખુલ્લા અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિકને સુનિશ્ચિત કરવા માટે મજબૂત અને ટકાઉ ભાગીદારીની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને પક્ષોએ 2022-27ના સમયગાળા દરમિયાન ભારતમાં જાપાનીઝ રોકાણના 5 ટ્રિલિયન યેનનું લક્ષ્ય હાંસલ કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. જાપાનના વિદેશ મંત્રી બે દિવસની મુલાકાતે ભારત આવ્યા તેના કલાકો બાદ આ મંત્રણા થઈ હતી. તેમની મુલાકાતનો હેતુ ભારત-જાપાન વ્યૂહાત્મક સંબંધોની સમીક્ષા અને તેને મજબૂત કરવાનો છે.
Warm and comprehensive discussions at the 15th India-Japan Strategic Dialogue with FM Yoshimasa Hayashi of Japan.
Our talks covered enhancing political, defence & security, economic & commercial, connectivity, critical technology and people to people domains.
Our convergence… pic.twitter.com/Pn1aWb8fJ8
— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 27, 2023
એક ટ્વિટમાં જયશંકરે 15મી ભારત-જાપાન વ્યૂહાત્મક સંવાદને ઉષ્માભર્યો અને વ્યાપક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, અમારી વાતચીતમાં બંને દેશો વચ્ચે રાજકીય, સંરક્ષણ અને સુરક્ષા, આર્થિક અને વ્યાપારી, કનેક્ટિવિટી અને બંને દેશો વચ્ચે સંપર્કના મુદ્દા સામેલ હતા. અમારી સંલગ્નતા પૂર્વ એશિયા અને આસિયાનથી લઈને દક્ષિણ એશિયા અને પૂર્વ આફ્રિકા સુધીની ઘણી પ્રવૃત્તિઓ અને પ્રતિબદ્ધતાઓમાં પ્રતિબિંબિત થાય છે.
જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે આતંકવાદ સામે લડવા અને અપ્રસાર અંગે પણ વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. ઈન્ડો-પેસિફિક, G-20 અને G-7 પર પણ પરિપ્રેક્ષ્ય શેર કર્યું. વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને નેતાઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વહેલી તકે સુધારાની જરૂરિયાત પર સહમત થયા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ મહિનામાં જાપાનના વિદેશ મંત્રીની ભારતની આ બીજી મુલાકાત છે. મે મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદાએ હિરોશિમામાં G-7 સમિટની બાજુમાં વાતચીત કરી હતી