દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે યુગાન્ડા અને મોઝામ્બિકની છ દિવસીય મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયએ રવિવારે આ અંગે જાણકારી આપી હતી. MEA એ કહ્યું કે યુગાન્ડા અને મોઝામ્બિકની વિદેશ મંત્રીની મુલાકાત બંને દેશો સાથે ભારતના મજબૂત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે.
મંત્રાલયે કહ્યું કે, વિદેશ મંત્રી 10 થી 12 એપ્રિલ સુધી યુગાન્ડાની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ યુગાન્ડાના વિદેશ મંત્રી જનરલ જેજે ઓડોંગો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી શકે છે. તેઓ દેશના નેતૃત્વ અને અન્ય મંત્રીઓને પણ મળે તેવી શક્યતા છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, જયશંકર જિંજા (યુગાન્ડા)માં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ના ટ્રાન્ઝિટ કેમ્પસનું પણ ઉદ્ઘાટન કરશે. મંત્રાલય અનુસાર, વિદેશ મંત્રી 13 થી 15 એપ્રિલ સુધી મોઝામ્બિકની મુલાકાત લેશે. ભારતના વિદેશ મંત્રીની મોઝામ્બિકની આ પ્રથમ મુલાકાત હશે.
આ દરમિયાન, ભારત અને યુગાન્ડા વચ્ચે ભારતની બહાર NFSU ના પ્રથમ કેમ્પસની સ્થાપના માટે એક એમઓયુ પર હસ્તાક્ષર થવાની પણ અપેક્ષા છે.