નવી દિલ્હી: ‘ખાદ્ય સુરક્ષા’ને આંતરરાષ્ટ્રીય સંબંધો અને મુત્સદ્દીગીરીના પ્રારંભિક બિંદુ તરીકે વર્ણવતા, વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે જણાવ્યું હતું કે ટકાઉ સપ્લાય ચેઈન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે દેશોએ ખોરાકના વધુ વૈવિધ્યસભર સ્ત્રોતો શોધવાની, વધુ ઉત્પાદન કરવાની અને વિશ્વસનીય અને ભરોસાપાત્ર ખોરાક આપવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 દરમિયાન ભારતમાં આખું વર્ષ ચાલનારા કાર્યક્રમોના આગોતરા ઉદ્ઘાટન પ્રસંગે, વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સંબંધો અને કુટનીતિનું મહત્વનું પરિમાણ અને પ્રારંભિક બિંદુ ‘ફૂડ સિક્યુરિટી’ વિષય છે.
તેમણે જણાવ્યું કે, પ્રાદેશિક સ્તરે દેશો વચ્ચેના સંબંધોની વાત આવે ત્યારે પણ આપણે જોઈએ છીએ કે કેવી રીતે આપણે એકબીજા સાથે તેની (ખાદ્યની) આપલે કરી શકીએ. આવી સ્થિતિમાં ખાદ્ય સુરક્ષા મહત્વપૂર્ણ બની જાય છે. વિદેશ મંત્રીએ કહ્યું કે જો આજની દુનિયાનો વિચાર કરીએ તો માત્ર ત્રણ મોટા પડકારો ‘3C’ સામે આવે છે. આ છે કોવિડ, કોન્ફ્લિક્ટ (સંઘર્ષ) અને કલાઈમેટ(આબોહવા). આ ત્રણેયની જ અત્યારે ખાદ્ય સુરક્ષા પર અસર પડી રહી છે.
આ સિવાય જયશંકરે કહ્યું કે કોવિડ મહામારી (કોવિડ-19) દરમિયાન પણ ખાદ્ય સુરક્ષાને અસર થઈ હતી અને તેના કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ હતી અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને ખતરનાક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે ભારતમાં પણ કોવિડને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે પડોશી દેશો સહિત કેટલાક ગલ્ફ દેશો ચિંતિત હતા કારણ કે તેઓ ભારત પાસેથી નિયમિતપણે ખાદ્યપદાર્થોની આયાત કરતા હતા.
તેમણે કહ્યું કે ભારતે તે દરેક દેશોને ખાતરી આપી છે કે અમે ખાદ્ય પુરવઠાની શૃંખલા જાળવી રાખીશું. વિદેશ મંત્રીએ રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ યુદ્ધ એક ઉદાહરણ છે કે કેવી રીતે યુદ્ધ ખાદ્ય સુરક્ષાને અસર કરી શકે છે.તેમણે કહ્યું કે યુક્રેન ઘઉંનો મોટો નિકાસકાર દેશ રહ્યો છે, આ નિકાસના વિસ્તારમાં પણ યુદ્ધની અસર જોવા મળી છે. તેઓ માને છે કે જ્યારે આ પ્રકારનું યુદ્ધ થશે ત્યારે અનાજના ભાવ વધશે, પુરવઠાને અસર થશે.
આબોહવાની અસરોનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે આપણે બધાં સહમત થઈશું કે, આજે ગંભીર જલવાયુ સંકટ છે, જેની અસર ઉત્પાદનમાં ઘટાડો અને વ્યવસાયમાં અવરોધના સ્વરૂપમાં આવી શકે છે. તેમણે કહ્યું કે કોવિડ, સંઘર્ષ અને આબોહવા મહત્વપૂર્ણ પડકારો છે અને આપણે ખાદ્ય સુરક્ષા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. જયશંકરે કહ્યું કે, આપણે ખાદ્ય અનાજના વધુ વૈવિધ્યસભર સ્ત્રોતો શોધવા, વધુ ઉત્પાદન કરવા અને વિશ્વસનીય અને ટકાઉ પુરવઠા શૃંખલાઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
આ સાથે જયશંકરે કહ્યું કે આ વર્ષ ‘આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જે ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું અને 72 દેશો દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતમાં બરછટ અનાજનો ઈતિહાસ ઘણો જૂનો છે અને તેનો ઉલ્લેખ સિંધુ ખીણની સંસ્કૃતિમાં પણ જોવા મળે છે. ભારત બરછટ અનાજનું સૌથી મોટું ઉત્પાદક છે અને આપણી પાસે કુલ વૈશ્વિક ઉત્પાદનના 20 ટકા છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતમાં નવ પ્રકારના બરછટ અનાજનું ઉત્પાદન થાય છે અને વિશ્વના 130 દેશો બરછટ અનાજનું ઉત્પાદન કરે છે. આવી સ્થિતિમાં આ વિષય પર ધ્યાન આપવાથી અનાજમાં આત્મનિર્ભરતા આવશે, ખાદ્ય પુરવઠામાં પણ સુધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.
(ફોટો: ફાઈલ)