- વિદેશમંત્રી બે દિવસ માટે જ્યોર્જિયાના પ્રવાસે
- છેલ્લા કેટલાક દિવસોથી એસ.જયશંકર વિદેશોના પ્રવાસે
- રશિયાના નાયબ પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત
દિલ્લી: કેન્દ્રીય વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકર આજથી જ્યોર્જિયાની બે દિવસીય યાત્રા કરશે. તેઓ જ્યોર્જિયાના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી ડેવિડ ઝાલકાલિયાનીના નિમંત્રણ પર ત્યાં જશે. કોઇ ભારતીય વિદેશમંત્રીની સ્વતંત્ર જ્યોર્જિયાની આ પ્રથમ યાત્રા હશે.
ડૉ.એસ જયશંકર જ્યોર્જિયાના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ અને ક્ષેત્રિય અને વૈશ્વિક હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે.
તેઓ તિવિલ્સીમા મહાત્મા ગાંધીની નવી પ્રતિમાનુ અનાવરણ કરશે. વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકરની યાત્રાથી બન્ને દેશોના સંબંધો મજબૂત થશે.
પહેલા રશિયાના પ્રવાસે ગયેલા એસ.જયશંકરે રશિયાના નાયબ વડાપ્રધાનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કોરોના ની બીજી લહેર દરમ્યાન મળેલી રશિયાની સહાયતાની પ્રશંસા કરી હતી.
ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર છેલ્લા કેટલાક દિવસોથી વિદેશ પ્રવાસ ખેડી રહ્યા છે અને ભારતની વિદેશનીતી અને અન્ય દેશો સાથે સંબંધોને વધારે મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોરોનાકાળમાં ભારત દ્વારા અનેક દેશોને વેક્સિન પહોંચાડીને મદદ કરવામાં આવી છે ત્યારે ભારત પર કોરોનાની બીજી લહેર વખતે આવી પડેલા સંકટમાં ભારતને કેટલાક દેશોએ મદદ કરી હતી.
ભારત સરકાર દ્વારા આ તમામ દેશોને મદદ કરીને અને તેમની સાથે મળીને વિકાસ કરવાની ભાવના ભારતને ભવિષ્યમાં વધારે મજબૂત અને સક્ષમ બનાવશે.