વિદેશ મંત્રીએ રાજપીપલાની લીધી મુલાકાત,જીમ્નાસ્ટીક હોલના અપગ્રેડેશન કાર્યનું કર્યું જાત નિરિક્ષણ
નર્મદા : કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકર સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત બે દિવસીય નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. વિદેશ મંત્રીએ તેમની મુલાકાતના બીજા દિવસે તા.૨૭મી મે, શનિવારના રોજ વહેલી સવારે રાજપીપલા સ્થિત છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજની મુલાકાત કરી હતી. જ્યાં મોર્નિંગ વોક માટે આવેલા સિનિયર સિટિઝન્સ સાથે ખુલ્લા-મોકળા મને ઔપચારિક ચર્ચા કરી સ્વસ્થ જીવન માટે કસરતનું અનેરૂં મહત્વ રહેલું છે જેથી નાગરિકોને ફિટ ઈન્ડિયાના સૂત્રને વળગી પોતાના જીવનમાં કસરતને આજીવન સ્થાન આપના અપીલ કરી હતી.
વિદેશ મંત્રીએ નર્મદા જિલ્લાના ચાર ગામોને દત્તક લઈને તેમાં આરોગ્ય, શિક્ષણ, વીજળી-પાણી, યુવા રોજગાર જેવા વિષયોને ધ્યાનમાં રાખીને માળખાગત સુવિધાઓ ઉભી કરી ગામનો વિકાસ કરવાની નેમ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ઉત્સાહભેર ઉપાડી છે. ખાસ કરીને બાળકો સ્વસ્થ હશે તો દેશનું ભવિષ્ય સ્વસ્થ અને તંદુરસ્ત હશે તેવા દ્રઢ સંકલ્પ સાથે રાજપીપલા ખાતે છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ખાતે જીમ્નાસ્ટિક થકી ઉત્તમ સુવિધાઓ ખેલાડીઓને ઉપલબ્ધ કરાવી શકાય તેવા શુભ આશય સાથે જીમ્નાસ્ટિક હોલનું તેમની ગ્રાન્ટમાંથી અપગ્રેડેશન કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય વિદેશ મંત્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજના જિમ્નાસ્ટીક હોલની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં હાલમાં રાજ્યભરમાંથી આવેલા જિમ્નાસ્ટિકની અલગ – અલગ ઈવેન્ટના ખેલાડીઓ જેઓ અભ્યાસ કરી રહ્યા હતા તેનું નિરિક્ષણ કર્યું હતું. સૌ પ્રથમ જીમ્નાસ્ટીક બિગનર્સ(નાની વયના ખેલાડીઓ) સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વેળા કોચ ગૌરીશંકર વિદેશ મંત્રીને જરૂરી વિગતો પુરી પાડી હતી. બાદમાં અન્ય વિભાગોના ખેલાડીઓ જેઓ પોતાની પસંદગીની ગેમનો અભ્યાસ કરી રહ્યા હતા તેમના હેરતભર્યા કરતબો વિદેશમંત્રીએ નિહાળી અભિભૂત થયા હતા. સમગ્ર હોલ અપગ્રેડેશન અને સ્પર્ધાઓ વિશેની વિગતો જિમ્નાસ્ટીક કોચ શ્રી હિમાંશુ દવેએ વિદેશ મંત્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી.