ચાઈનીઝ એપ મારફતે લોન આપવાના બહાને નાણા પડાવવાના કૌભાંડનો પર્દાફાશ
નવી દિલ્હીઃ આઉટર નોર્થ સાઇબર પોલીસે 150 ચાઇનીઝ એપ દ્વારા છેતરપીંડી કરવા ખોલાયેલ કોલ સેન્ટરનો ભાંડો ફોડયો છે. પોલીસે સંચાલક સહિત 4 લોકોની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી હતી. જયારે ૧૪૯ કર્મચારીઓને નોટીસ આપીને છોડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
ડીસીપી બીકે યાદવે જણાવ્યું કે નરેલા નિવાસી હિમાંશુ ગોયલે 28મે અને 14 જુલાઇએ એનસીઆરપી પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી. પીડિતે 50 હજાર રૃપિયાની લોનની અરજી કરી હતી પણ તેને ફકત 6870 રૃપિયા મળ્યા હતા. ત્યાર પછી આરોપી તેના વોટસએપ પર અશ્લીલ ફોટો મોકલીને બ્લેકમેઇલ કરવા લાગ્યા હતા.
તેણે લગભગ એક લાખ રૃપિયા ચુકવ્યા છતાં તેને પરેશાન કરાઇ રહ્યો હતો. ત્યાર પછી તેણે પોલીસને ફરિયાદ કરી હતી. કોલ સેન્ટરનું લોકેશન દ્વારકા વિસ્તારનું મળ્યું હતું. ત્યાર પછી પોલીસે દ્વારકાના રામફલ ચોક પાસેના ત્રણ માળના બીલ્ડીંગમાં દરોડો પાડયો હતો. તે વખતે 134 મહિલાઓ અને 15 પુરૃષો લોન લેનારા લોકોને ફોન કરવામાં અને અશ્લીલ ફોટાઓ મોકલવાનું કામ કરી રહ્યા હતા. જ્યારે આ કૌભાંડનો લીડર અનિલ પોતાના સાથી આલોક, અવિનાશ અને કલન સાથે મેનેજમેન્ટ કરી રહ્યો હતો.
પોલિસ અધિકારીએ જણાવ્યું કે અનિલની બે ચીની નાગરિકો અલબર્ટ અને ટ્રે સાથે ટેલીગ્રામ પર મુલાકાત થઇ હતી. એ બંન્ને ચીની એપ દ્વારા લોકોને લોન આપતા હતા. અનિલ લોન લેનારા બેંક ખાતામાં જેટલી પણ રકમ આવે તેમાંથી 30 ટકા કમીશન કાપીને તે આલ્બર્ટ અને ટ્રે ને મોકલતો હતો.