Site icon Revoi.in

દિવાળીના તહેવારોમાં સુરતથી STની એક્સ્ટ્રા બસો દોડાવાશે

Social Share

સુરતઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી) દ્વારા તહેવારો દરમિયાન પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવતી હોય છે. ત્યારે આગામી દિવાળીના તહેવારોમાં પ્રવાસી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે એસટી દ્વારા ખાસ બસો દોડાવવાનું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. સુરત એસટી વિભાગ દ્વારા 26 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન સુરતથી પોતાના માદરે વતનમાં જતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના રત્નકલાકારો તેમજ દાહોદ-પંચમહાલના શ્રમજીવીઓ માટે “એસ ટી આપના દ્વારે” નામનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રવાસી ગ્રુપ દ્વારા આખી STનું બુકિંગ કરાશે તો તે સોસાયટીના બહાર સુધી પીકઅપ કરીને પ્રવાસીઓના ગામ સુધી એસટી બસ જશે. લોકોને આ સુવિધા પૂરી પાડવા માટે 2200 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ એકસ્ટ્રા બસો સાંજે 04:00 થી રાત્રે 10:00 કલાક સુધી દોડાવવામાં આવશે.

આ અંગે રાજ્યના માર્ગ પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે પણ નિગમ તરફથી એક્સ્ટ્રા બસો નવાપુર, નંદરબાર ધુલિયા શહદા માટે એસટી બસો દોડાવાશે. આ રૂટની એસટી બસો  ઉધના બસ સ્ટેશન ખાતેથી ઉપાડવામાં આવશે. જેનો પણ મુસાફરોએ લાભ લઈ શકશે. એકસ્ટ્રા બસોનુ ગૃપ બુકિંગ એસ.ટી. સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત તેમજ અડાજણ બસ પોર્ટ ખાતે આવેલા સુરત સીટી ડેપો ખાતેથી કરવામાં આવશે. જ્યારે એકસ્ટ્રા બસોનુ એડવાન્સ બુકિંગ એસ.ટી. સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત, અડાજણ બસ સ્ટેશન, ઉધના બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેન્ડ, કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસ.ટી.દ્વારા નિમવામા આવેલ બુકિંગ એજન્ટો, મોબાઇલ એપ તથા નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઇન ટીકીટનુ બુકિંગ કરી શકાશે.

સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, સુરત શહેરમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ, ગોધરા અને પંચમહાલના રત્નકલાકારો વધુમાં વધુ લાભ લઈ શકે, તે માટે તમામ વ્યવસ્થા કરાઇ છે. જો જરૂર પડે તો વધુ બસોની વ્યવસ્થા કરવામાં આવશે.