Site icon Revoi.in

રાજ્યભરમાં કડકડતી ઠંડી, કચ્છમાં યલો એલર્ટ, માઉન્ટ આબુમાં માઈનસ-2

Social Share

અમદાવાદઃ રાજ્યમાં માવઠા બાદ આજે રવિવારથી ઠંડીમાં વધારો થયો છે. કચ્છની નળીયામાં ગતરાત્રે લધુતન તાપમાન ગગડીને 6.9 ડિગ્રી નોંધાતા લોકો કડકડતી ઠંડીથી ધ્રુજી ગયા હતા.એટલું જ નહી આડે દિવસ દરમિયાન પણ લોકોએ તાપણા કરીને ઠંડીથી રક્ષણ મેળવ્યું હતું. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં  કોલ્ડવેવની આગાહી કરી છે. ગત રાતથી ભૂજ, કંડલા, અમદાવાદ, ગાંધીનગર, ડીસા, વડોદરા, સુરત, નલીયા, ભાવનગર, અમરેલી, પોરબંદર, રાજકોટ, વેરાવળ, સુરેન્દ્રનગરમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે.

ગુજરાતની રાજસ્થાન સરહદ પર આવેલા માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ 2 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. તાપમાન માઈનસમાં જતાં રોડ પર બરફની ચાદર પથરાઈ હતી. વૃક્ષોના પાંદડા પર પણ બરફ છવાયેલો જોવા મળ્યો હતો. બીજી તરફ કડકડતી ઠંડીથી  બચવા માટે લોકો તાપણું કરતાં જોવા મળ્યા હતા. તો કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડયા હતા. જેના કારણે ઠંડીમાં વધારો થયો હતો.

ગુજરાતમાં માવઠાની અસર ઓછી થતાં જ હવે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. નલિયા 6.9 ડીગ્રી ઠંડીમાં ઠૂંઠવાયું હતું, જ્યારે ભુજ-રાજકોટ-કંડલામાં પણ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 12 ડીગ્રીથી નીચે નોંધાયો હતો. કાતિલ ઠંડીને પગલે હવામાન વિભાગ દ્વારા કચ્છમાં આગામી બે દિવસ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં અનેક સ્થળે આગામી 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ચાર ડીગ્રી સુધી ગગડતાં ઠંડીનું મોજું ફરી વળશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસમાં ઠંડી 4 ડીગ્રી વધતાં ઉ.ગુ.માં ઠંડીનો પારો 10 ડીગ્રીની આસપાસ આવી જશે. તા.12 જાન્યુઆરી બાદ ઠંડી 2થી 3 ડીગ્રી ઘટશે. વેધર એક્સપર્ટના મતે, તા.12થી 15 જાન્યુઆરી સુધી ઉ.ગુ. સહિત રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ સર્જાઇ શકે છે, જેને લઇ તા.16 અને 17મી જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં 7 વર્ષ બાદ એટલે કે વર્ષ 2015 બાદ થયેલા કમોસમી વરસાદને કારણે છેલ્લા ચારેક દિવસથી સવારે ધુમ્મસછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.