Site icon Revoi.in

આકરી ગરમીઃ રાજ્યમાં આગામી 3 દિવસ હીટવેવની આગાહી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને અમદાવાદ સહિત મોટાભાગના શહેરો-નગરોમાં ગરમી પારો 40 ડીગ્રીને પાર પહોંચ્યો છે. દરમિયાન રાજ્યમાં આગામી દિવસોમાં પણ ગરમીમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન હીટવેવની આગાહી કરાઈ છે અને અમદાવાદમાં ગરમીનો પારો 44 ડીગ્રી પાસે પહોંચવાની શકયતા છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ લોકોને કામ વિના બહાર નહીં નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ હતી. હાલ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. બપોરના સમયે આકરી ગરમીમાં લોકો ઓફિસ-ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે અને પંખો, એસી અને કુલરની મદદથી ગરમીમાં રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બપોરના સમયે અમદાવાદના માર્ગો સુમસામ બને છે. સામાન્ય વાહન-વ્યવહાર માર્ગો ઉપર જોવા મળે છે. રાજ્યમાં આગામી દિવસોમાં ઉનાળો વધારે આકરો રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 28મી એપ્રિલ સુધી દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, રાજકોટ તથા અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તથા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. તેમજ લોકોને કામ વિના બહાર નહીં નીકળવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.