અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ આકાશમાં અગન ગોળી વરસી રહ્યાં હોય તેમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદ સહિત 12 શહેરમાં ગરમીનો પારો 36ને પાર પહોંચ્યો હતો. જ્યારે આગામી 15 માર્ચથી રાજ્યના ઘણા શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની પાર પહોંચે તેવી શકયતા છે.
ગુજરાતમાં આજથી ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. રાજ્યના 12 શહેરોમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 37.8 ડિગ્રી સાથે મહુવા સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે સુરેન્દ્રનગરમાં 37.3 ગરમી નોંધાઇ હતી. વડોદરા અને અમરેલીમાં પારો 37.2 ડિગ્રી નોંધ્યું હતું. ભૂજમાં 37 ડિગ્રી, રાજકોટમાં 36 ડિગ્રી, અમદાવાદમાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 5 શહેરોમાં તો 37 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઇ હતી.
હવામાન વિભાગ આ પહેલા જ ગરમીને લઈને પૂર્વાનુમાન જાહેર કરી ચૂક્યું છે. જે પ્રમાણે રાજ્યમાં માર્ચથી મે મહિના સુધી તાપસમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતા જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે. રાજ્યમાં ગરમીનો પારે વધી રહ્યો છે.