નવી દિલ્હીઃ જાપાનમાં ગરમીથી સળગી રહ્યું છે. જાપાન દેશમાં રેકોર્ડ બ્રેક ગરમીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારે ટોકાઈમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું હતું.
જાપાનની હવામાન એજન્સી (JMA) એ 26 જિલ્લાઓ માટે હીટ-સ્ટ્રોક એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત કાળઝાળ ગરમીથી સાવધાન રહેવા માટે રહેવાસીઓને અપીલ કરવામાં આવી છે. દિવસ દરમ્યાન વાતાવરણનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે જાપાનમાં 200થી વધુ સ્થળોએ તીવ્ર ગરમીનું મોજું આવશે.
રવિવારે ટોક્યોમાં પારો 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા છે. ટોકાઈથી કાંટો સુધીના ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું છે. તે જ સમયે, માએબાશી અને ચિચીબુમાં તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. જ્યારે કેન્ટોના કેટલાક વિસ્તારોની અંદર તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે.
દેશના ઘણા ભાગોમાં ભારે ગરમીના કારણે હીટ સ્ટ્રોકના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. એહિમ અને ટોકુશિમા વિસ્તારમાં બે વૃધ્ધોંના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે ટોક્યોમાં ગરમી સંબંધિત 119 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. 3 વૃદ્ધોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
સત્તાવાળાઓએ રહેવાસીઓને, ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને યોગ્ય રીતે એર કંડિશનરનો ઉપયોગ કરવા જણાવ્યું છે. આ સિવાય શક્ય તેટલું વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, સૂર્યપ્રકાશ દરમિયાન ઘરની બહાર ન નીકળવું અને કસરત કરવાનું ટાળવું.