- આસામમાં પૂરની સ્થિતિ ગંભીર
- અત્યાર સુધીમાં 82 લોકોના મોત
- NDRFની ટીમને બરાક ઘાટીમાં મોકલાઈ
દિસપુર:આસામમાં બ્રહ્મપુત્રા, બરાક અને તેમની ઉપનદીઓમાં પૂરની સ્થિતિ મંગળવારે પણ ગંભીર રહી હતી.રાજ્યમાં આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં 82 લોકોએ જીવ ગુમાવ્યા છે અને લગભગ 45 લાખ લોકો પ્રભાવિત થયા છે.
આ દરમિયાન, તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ આસામના લોકો સાથે એકતા બતાવતા પૂરથી પ્રભાવિત લોકો માટે દાનની જાહેરાત કરી છે.આ અંગે તેમણે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
છેલ્લા 24 કલાકમાં આસામમાં પૂરના કારણે 11 લોકોના મોત થયા છે, જ્યારે સાત લોકો લાપતા હોવાનું કહેવાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભુવનેશ્વરથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના જવાનોને બચાવ કામગીરીમાં મદદ માટે આસામ મોકલવામાં આવ્યા છે.
બરાક ખીણમાં કરીમગંજ અને કચાર જિલ્લામાં બરાક અને કુશિયારા નદીઓના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે.મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે,NDRFના ચાર એકમોને ભુવનેશ્વરથી સિલચર મોકલવામાં આવ્યા છે જેથી બચાવ કામગીરીમાં મદદ મળી શકે.