Site icon Revoi.in

મેઘાલયમાં વાવાઝોડાને કારણે ભારે તબાહી,એક હજારથી વધુ ઘર ધરાશાયી

Social Share

શિલોંગ :મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં આવેલા ચક્રવાતી તોફાને ભારે વિનાશ સર્જ્યો છે. છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ બાદ 1000થી વધુ મકાનોને નુકસાન થયું છે.ઘણા લોકો બેઘર બન્યા છે.ચક્રવાતને કારણે રી-ભોઈ જિલ્લાના 47 ગામો પ્રભાવિત થયા છે.વાવાઝોડામાં એક શાળા સહિત અનેક સરકારી મિલકતોને પણ નુકસાન થયું છે.

મળતી માહિતી મુજબ મેઘાલયમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ બાદ ભારે પવન સાથેના તોફાન બાદ હવે વીજ પુરવઠો પણ ખોરવાયો છે. જોકે હજુ સુધી આ વાવાઝોડામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.આ સાથે પશ્ચિમ ગારો હિલ્સ, સાઉથ વેસ્ટ ખાસી હિલ્સ અને પૂર્વ જયંતિયા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ શરુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેઘાલયના સીએમ કોનરોડ સંગમાના સંપર્કમાં છે અને અધિકારીઓ પાસેથી વારંવાર અપડેટ્સ લઈ રહ્યા છે.તેમણે રાજ્યને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી છે.જિલ્લાના ડેપ્યુટી કમિશનરે પરિસ્થિતિનો તાગ મેળવવા તાત્કાલિક બેઠક બોલાવી છે.

હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી પૂર્વોત્તરના વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.આ સાથે અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડશે. અન્ય ઉત્તરપૂર્વીય રાજ્યો નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા પેટાવિભાગોમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે સાથે ગાજવીજ પણ પડી શકે છે.